શાળા બંધ, પણ શિક્ષણ નહિ..ગામમાં ડિઝીટલ શિક્ષણ
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના નાનકડા એવા રોપડા ગામમાં ભગવતીબેન આમ તો ઓછુ ભણેલા છે પરંતુ ૪ બાળકોને ઘરેથીજ ગૃહકાર્ય કરાવે છે. એટલું જ નહી પડોશમાં રહેતા તેમના ભાઈના અને અન્ય પરિવારના ૮ બાળકોને ઘરેથી જ ગૃહકાર્ય કરાવવાની જવાબદારી ઉપાડે છે. ભગવતીબેન રોપડા ગામના જાગૃત વાલીઓ પૈકીના એક છે કે જેઓ પોતાના બાળકોને સમય સર બાળકોને ઘેર થી અભ્યાસ સાથે સહાભ્યાસીક પ્રવૃતિઓ પણ કરાવે છે. બાળકોને વાચન લેખન ની સાથે કેટલીક પ્રવૃત્તિ તે પણ કરી એક ઉત્તમ ઉદાહરણ રૂપી કાર્ય કરી રહ્યા છે.
શું છે તેના પાયામાં ?
કોવિડ ૧૯ ની વિશ્વ મહામારી ના કપરા સમયમાં વિશ્વ ને ઘણું વેઠવું પડ્યું છે. આમાં શિક્ષણ પર ઘણી અસર થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક ની શાળાઓ આવા કપરા સમયમાં પણ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.
‘શાળા બંધ છે પણ શિક્ષણ નહિ’ના ધ્યેય સાથે અમદાવાદ જિલ્લાની ગામડી પે સેન્ટર શાળાના શિક્ષકોએ એક વોટ્સેપ ગૃપ બનાવી બાળકોને કેવી રીતે કાર્ય કરવું તેના દરરોજ મેસેજ આપીને સમજાવવામાં આવે છે. કેટલા બાળકો કયા માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે…? તે જાણવા ફોન કોલ પણ કરવામાં આવે છે. બાળકોને ઘેર ઘેર જઈ હોમ લર્નિંગ સ્ટડી મટીરીયલ પૂરું પાડવાની સાથે સાથે પાઠ્યપુસ્તકો સાથે એકમ કસોટીની બુક પણ બાળક દીઠ પૂરી પાડી છે.
શાળાના આચાર્ય નિશીથભાઈ કહે છે કે, ‘ આજે ડિઝીટલ શિક્ષણની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે અમારી શાળાના શિક્ષકોએ આ નવતર પ્રયોગ કરી બાળકો અને વાલીઓને સહાયરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. દૂરદર્શન ડીડી ગિરનાર પર થી પ્રકાશિત થનાર શૈક્ષણિક કાર્યક્રમ નિહાળવા માટે બાળકોના વાલી સાથે સંપર્ક કરવામાં આવે છે અને વોટસ એપ ગ્રુપમાં યુટ્યુબ લીંક પણ મોકલવામાં આવે છે. જો કોઈ બાળકો કોઈ કારણસર સળંગ અઠવાડિયા સુધી કાર્યક્રમ નિહાળી ના શકે તો શનિવાર અને રવિવારે અત્યાર સુધી ચાલેલા કાર્યક્રમની લીંક મૂકી બાળકોને અભ્યાસ કરાવાય છે. ત્યારબાદ મૂલ્યાંકન માટે ગૂગલ ફોર્મ માધ્યમે બાળકોને એકમ અનુરૂપ પ્રશ્નો પૂછી મૂલ્યાંકન કરાય છે. બાળકો ડિજિટલ માધ્યમે હોમવર્ક પણ કરે છે.
બાળકો ઘરે રહી નોટબુક કે ચોપડીમાં જે અભ્યાસ કરે છે તે કાર્ય નો ફોટો ગ્રુપમાં મંગાવી તેની ચકાસણી કરી બાળકોને માહિતગાર કરાય છે. બાળકો સાથે વિવિધ એપ ના માધ્યમ કે સોશીયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ સાથે કેટલીક વાતો જાણવા ઓનલાઇન શિક્ષણ પણ અપાય રહ્યું છે. જેમાં બાળકો જોડાઈ ને પોતાની રજૂઆત કરી શિક્ષણ પણ મેળવી રહ્યા છે. એમ તેઓ ઉમેરે છે.
આ અગાઉ ધો-૧ના વિધાર્થી ના પ્રવેશ. માટે શિક્ષકોએ ઘેર ઘેર જઈ બાળકોના દાખલા ચકાસી જરૂરી વાલી ફોર્મ ભરાવી બાળકોની અન્ય જરૂરી માહિતી મેળવી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી ઓનલાઇન પ્રવેશ અપાવ્યો. બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે માટે ઓનલાઇન સમર કેમ્પ સાથે નયા આવિષ્કાર કરે જેવા કાર્યક્રમમાં જોડી તેઓના વિસ્તારની સમસ્યા જાણી તેનો ઉકેલ મેળવી લોક ભાગીદારી નોંધાઈ શકે છે. વિધાર્થીના ઘરનો સંપર્ક કરી તેઓને માહિતી આપી કાર્ય કરવા પ્રેરિત કરાય છે.
ગામના જશુભાઈ અને તેમનો પરિવાર ખેતરમાં રહે છે. ત્યારે તેઓના પાસે સ્માર્ટ ફોન ન હોવાથી બાળકોએ અભ્યાસમાં તકલીફ પડે છે અને ખેતર વિસ્તારમાં લાઈટ ની અવર જવર ચાલુ હોવાથી ટીવી કાર્યક્રમ વ્યવસ્થિત જોઈ શકાતો નથી તેવામાં તેમની દીકરી અને ભૂતપૂર્વ વિધાર્થિની દક્ષા તેના નાના ભાઈ બહેન સાથે તેના પાડોશ મા રહેતા બાળકને પણ ઘેર રહી અભ્યાસ કરાવે છે. તેને મુશ્કેલ જણાય તો શિક્ષક નો સંપર્ક કરી માહિતી મેળવી રહી છે.
આ સાથે શિક્ષકો દ્વારા દરરોજ શાળાએ જઈ બાળકોના સંપર્ક કરવાની સાથે ટીવી પર આવતા કાર્યક્રમ તેઓ પોતે પણ નિહાળે છે જેથી મૂલ્યાંકન મા મદદરૂપ થાય. તદુપરાત અનાજ વિતરણ કરવું, બાળકોનું હોમવર્ક તપાસવું, ખૂટતી માહિતી આપવી, ડેટા મેળવવા, પત્રક ભરવા, શિષ્યવૃત્તિ માટે ની માહિતી ચકાસે દરખાસ્ત બનાવવી, દર મહિને ઘેરથી શીખીએ પ્રવૃતિના સામાયિક પહોંચાડવા તથા પરત મેળવી તેની ચકાસણી કરી તેનું મૂલ્યાંકન નોંધી ઓનલાઇન એન્ટ્રી કરવી જેવા કાર્યો કરી રહ્યા છે. બસ સ્થિતિ ક્યારે સામાન્ય બને અને શાળા બાળકોના કલરવથી ગુંજી ઊઠે તે તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.એમ નિશીથભાઈ ઉમેરે છે.