શાહઆલમમાંથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-૧ દરમિયાન હથિયારોની હેરાફેરી વધવા લાગતા પોલીસતંત્ર એલર્ટ થઈ ગયુ છે જેના પગલે તાજેતરમાં જ ઈસનપુર પાસેથી હથિયારોના જથ્થા સાથે પ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા આ દરમિયાનમાં શહેરના શાહઆલમ વિસ્તારમાં પિસ્તોલ સાથે શખ્સ ફરી રહયો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે વોચ ગોઠવી આરોપીને પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે ઝડપી લેતા તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપી આ હથિયાર કયાથી લાવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક-૧ વચ્ચે ગુનેગારો સક્રિય બનેલા છે શહેરમાં ગુનાખોરીનો આંક વધતા શહેર પોલીસતંત્ર ઉપરાંત અન્ય એજન્સીઓ પણ સતર્ક બનેલી છે અને રાત્રિ દરમિયાન ખાસ વોચ ગોઠવી સઘન ચેકિંગ કરવામાં આવી રહયુ છે. અમદાવાદ શહેરમાં રથયાત્રા પૂર્વે હથિયારોની હેરાફેરીની બાતમી મળતા ઈસનપુર નજીકથી પાંચ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા આરોપીઓની પુછપરછમાં તેઓ હથિયારો મધ્યપ્રદેશથી લાવતા હોવાનું બહાર આવ્યુ હતું
આ ઘટના બાદ પોલીસતંત્ર તથા અન્ય એજન્સીઓ વધુ એલર્ટ બની ગઈ છે આ દરમિયાનમાં શહેરના શાહઆલમ વિસ્તારમાં હથિયારોની હેરાફેરી થઈ રહી છે તેવી બાતમી મળતા પીસીબીના અધિકારીઓએ વોચ ગોઠવી સઘન ચેકિંગ શરૂ કર્યું હતું ખાનગી ડ્રેસમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક શખ્સ વાહન લઈને પસાર થતો જાવા મળ્યો હતો પીસીબીના અધિકારીઓએ તાત્કાલિક તેનો પીછો કરી ઝડપી લીધો હતો અને તેની જડતી લેતા આરોપી પાસેથી દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કારતુસ મળી આવ્યા હતાં.
આરોપી પાસેથી હથિયાર મળતા જ અધિકારીઓએ તાત્કાલિક તેની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.