શાહઆલમમાં અસામાજીક તત્ત્વો બેફામ: દુકાનમાં ઘુસી વેપારીને માર માર્યો
છરી બતાવી પોલીસ ફરીયાદ કરે તો મારી નાંખવાની ધમકી આપી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં સ્થાનિક લુખ્ખા તત્વો વધી રહયા હોય અને પોલીસની કોઈ બીક જ ન રહી હોય તેણે માહોલ બન્યો છે આ સ્થિતિમાં શાહઆલમ વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતાં વેપારીની દુકાનમાં ઘૂસી ત્રણ શખ્શોએ તોડફોડ કરી માર મારતા વેપારીએ પોલીસ ફરીયાદ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે ઉવેશ રીયાઝ શેખ નામના વહેપારી શાહઆલમ દરગાહની બાજુમાં પોતાની મીઠાઈની દુકાન ધરાવે છે શુક્રવારે તે પોતાના ભાઈ રીઝવાન સાથે દુકાને હાજર હતા ત્યારે કલીમ ઉર્ફે ભૈયો પઠાણ (રસુલાબાદ, શાહઆલમ), સમીર ઉર્ફે ઘેટો તથા ચણા નામના શખ્શો ત્યાં આવ્યા હતા અને જલેબી માંગી હતી. જાેકે ઉવેશે તેમને રાહ જાેવાનું કહેતા ત્રણેય અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનની અંદર આવીને તેમને ગડદાપાટુનો માર મારીને દુકાનના વાસણો ફેંકી દીધા હતા.
દરમિયાન આસપાસના લોકોએ ઉવેશને માર ખાવાથી બચાવ્યો હતો ત્યારે ત્રણેય અસામાજીક તત્વોએ જતા જતાં છરી બતાવીને પોલીસ ફરીયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં ઉવેશે સારવાર કરાવ્યા બાદ કલીમ, સમીર તથા ચણા વિરુધ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય વિરુધ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.