Western Times News

Gujarati News

શાહપુરમાં ફરી એક વખત મિશ્ર પરિણામની શક્યતા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર વોર્ડમાં કોઈપણ એક પાર્ટીનું પ્રભુત્વ રહ્યું નથી. શાહપુરમાં બે એક જ વખત ભાજપની પેનલ જીતી છે જ્યારે એક વખત કોંગ્રેસ પેનલ વિજેતા બની છે. અન્યથા તમામ ચૂંટણીમાં મિશ્ર પરિણામ આવ્યા છે. ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપના સીટીંગ મહિલા કોર્પાેરેટર ફાલ્ગુનીબેન શાહની બાદબાકી થઈ છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોના દાયરામાં (ત્રણ ટર્મ) આવતા હોવાથી ફાલ્ગુનીબેન શાહને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે અન્ય બે કોર્પાેરેટર રેખાબેન ચૌહાણ અને જગદીશભાઈ દાતણિયાને રીપીટ કરવામાં આવ્યા છે.

જ્યારે આરતીબેન પંચાલ અને પ્રતાપભાઈ આગજા નવા ઉમેદવાર છે. ભાજપના સ્થાનિક કાર્યકરોના જણાવ્યા મુજબ પ્રતાપભાઈ આગજાના પત્ની સુનિતાબેન આગજા ૨૦૦૫થી ૧૦ ટર્મ દરમ્યાન સુનિતાબેન આગજા ૨૦૦૫થી ૧૦ ટર્મ દરમ્યાન માધુપુરા વોર્ડમાં ભાજપના કોર્પાેરેટર તરીકે રહી ચુક્યા છે. તેમજ પ્રતાપભાઈ શાહીબાગ વોર્ડના રહીશ છે તથા શાહીબાગ વોર્ડના મતદાર છે. જ્યારે આરતીબેન પંચાલ રાજકારણમાં તદ્દન નવા છે. આ બંને ઉમેદવારો ભાજપના એક પૂર્વ ધારાસભ્યની ઓફિસમાં નોકરી રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી હતી ૨૦૨૧માં કોંગ્રેસ પક્ષે તમામ નવા ચહેરાઓને ટિકિટ આપી છે. તથા સીટીંગ કોર્પાેરેટરની બાદબાકી થઈ છે. ઉમેદવારોની પસંદગી લઈને કોંગ્રેસમાં પણ અસંતોષ જાેવા મળી રહ્યો છે. ધારાસભ્યની પસંદગીના ઉમેદવારોને તક આપવામાં આવી હોવાના આક્ષેપ કોંગી કોર્પાેરેટરો કરી રહ્યા છે.

આંકડાકીય સમીકરણ
શાહપુર વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા ૮૬૮૯૪ છે. જેમાં ૪૫૨૫૭ પુરુષ અને ૪૧૩૬૭ સ્ત્રી મતદાર છે. શાહપુર વોર્ડમાં ૬૩ હજાર હિન્દુ અને ૨૩ હજાર લઘુમતી સમાજના મતદાર છે. વોર્ડમાં આઠ હજાર જૈન અને આઠ હજાર હિન્દીભાષી મતદારોને નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપના ફાલ્ગુનીબેન શાહને ૧૬૨૦૪, રેખાબેન ચૌહાણને ૧૫૮૭૫ તથા જગદીશભાઈ દાતણિયાને ૧૭૭૧૭ મત મળ્યા હતા. જ્યારે કોંગી ઉમેદવાર અબ્દુલ મજીદ શેખને ૧૬૫૬૩ મત મળ્યા હતા. ૨૦૧૫માં ૩૮૨૪૨ મતદારોએ મતદાન કર્યું હતું. મતદારોના ૪૮.૨ ટકા મતદારોએ તેમના બંધારણીય હક્કને ઉપયોગ કર્યાે હતો.

 

બિનહરીફની શરૂઆત શાહપુરથી
૨૦૨૧ની ચૂંટણીમાં નારણપુરા વોર્ડ ભાજપના ઉમેદવાર બિન્દાબેન સુરતી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બિન્દાબેન બિનહરીફ ચૂંટાયા છે. ભાજપમાં બિનહરીફ વિજેતા બનવાની શરૂઆત શાહપુરથી થઈ છે. ૨૦૦૫માં ભાજપના ઉમેદવાર ફાલ્ગુનીબેન શાહ બિનહરીફ જીત્યા હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર સ્મિતાબેનનું ફોર્મ ટેકનીકલ કારણોસર રદ થતા ફાલ્ગુનીબેન શાહ બિનહરીફ વિજયી જાહેર થયા હતા. નોંધનીય બાબત એ છે કે નારણપુરાના બિનહરીફ બિન્દાબેન સુરતીનું કનેક્શન પણ શાહપુર સાથે છે. બિન્દાબેનના સસરા ઉત્તમભાઈ સુરતી ૧૯૮૭માં ખાનપુર વોર્ડ (હાલ શાહપુર)માંથી કોર્પાેરેટરની ચૂંટણી જીત્યા હતા.

 

કોઈનો દબદબો નહીં
શાહપુર વોર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોઈ એક પાર્ટીનો દબદબો રહ્યો નથી. ૧૯૮૭ની ચૂંટણીમાં ભાજપના ફાળે બે અને કોંગ્રેસને એક ટિકિટ મળી હતી. જ્યાર બાદમાં શાહપુરમાં ભેળવાયેલ ખાનપુર વોર્ડમાં પણ બે ભાજપ અને એક કોંગ્રેસનું સમીકરણ જ રહ્યું હતું. ૧૯૯૫ની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો હતો. જ્યારે ૨૦૦૦માં કોંગ્રેસની પેનલ જીતી હતી. ૨૦૦૫માં ભાજપના ફાલ્ગુનીબેન શાહ બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે અન્ય બે બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. ૨૦૧૦માં જુના દરીયાપુર તો કેટલોક હિસ્સો શાહપુરમાં હતો. તે સમયે ભાજપની પેનલ જીતી હતી. ૨૦૧૫માં નવા સીમાંકન બાદ દુધેશ્વર વોર્ડનો શાહપુરમાં સમાવેશ થયો હતો. તથા મ્યુનિ.ઈલેક્શન વોર્ડમાંથી દુધેશ્વર વોર્ડની બાદબાકી થઈ હતી. ૨૦૧૫માં ભાજપના ત્રણ અને કોગ્રેસના એક ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. પરંતુ શાહપુરના કેટલાક બુથનો દરીયાપુરમાં સમાવેશ થતા ભાજપની પેનલ દરિયાપુરમાં હારી હતી. ૨૦૨૧ની ચૂંટણીમાં પણ મિશ્ર પરીણામ આવે તેવી શક્યતા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. શાહપુર વોર્ડમાં જૈન સમાજના મતોને નિર્ણાયક માનવામાં આવે છે. પરંતુ ૧૯૮૭ બાદ પ્રથમ વખત ભાજપ દ્વારા જૈન ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. તેવી જ રીતે મુળ શાહપુરના પણ કોઈ ઉમેદવાર ભાજપમાંથી લડી રહ્યા નથી. શાહપુર દરવાજાથી શાહપુર બહાઈ સેન્ટર થઈ કામા હોટલ ખાનપુર સુધી ૧૮ બુથ છે. આ ૧૮ બુથમાંથી દાવેદારી કરનારની પસંદગી થઈ નથી. જેના કારણે ભાજપના કાર્યકરોમાં નિરાશા જાેવા મળી રહી છે.

 

સમસ્યા
કોર્ટ વિસ્તારના અન્ય વોર્ડની માસ્ક શાહપુર વોર્ડમાં પણ ડ્રેનેજ અને પાણીની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળે તેમજ ડ્રેનેજ બેક મારવાના પ્રશ્નોના કાયમી ઉકેલ આવે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. શાહપુર વોર્ડમાં પણ ગેરકાયદેસર બાંધકામોનો પ્રશ્ન વિકટ બન્યો છે. સાંકડી ગલીઓ અને ૬૦-૭૦ ચો.મી.ના પ્લોટમાં બહુમાળી બિલ્ડિંગો બની રહ્યા છે. જેના કારણે ડ્રેનેજ-પાણીની સાથે-સાથે ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યા પણ વકરી રહી છે. શાહપુર વોર્ડમાં જનરલ બજેટમાંથી કામો થતા ન હોવાની ફરીયાદો પણ થઈ રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.