શાહપુરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી તોફાની તત્ત્વો દ્વારા આંબલીની પોળમાં કરાતા પત્થરમારાથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોમી એખલાસના વાતાવરણ વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધંધા રોજગાર પણ ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તાર છેલ્લા કેટલાંક દિવસથી શાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે.
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીની પોળમાં છેલ્લા કેટલાંક દિવસથી તોફાની તત્વો દ્વારા પત્થમારો થતાં કાચની બોટલો ફેંકાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શાહપુર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અફવાઓના કારણે વાતાવરણ તંગ જાવા મળી રહ્યુ છે. અને આ વિસ્તારના નાગરીકો પણ સતર્ક બની રહ્યા છે. બીજી બાજુ આ ઘટનાઓને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવી દેવામાં આવ્યુ છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શહેરના માણેકચોક વિસ્તારમાં તાજેતરમાં ખાણીપીણીની બજારમાં મારામારી થઈ હતી. જેના પરીણામે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતુ. જેના પરિણામે પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
આ ઘટનાબાદ આ વિસ્તારમાં પણ પોલીસનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અને રાત્રી દરમ્યાન ખાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. માણેકચોક બાદ શહેરના શાહપુર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી વાતાવરણ તંગ જાવા મળી રહ્યુ છે. કેટલાક તોફાની તત્વો દ્વારા શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચાર દિવસ પહેલાં લોકોના ટોળેટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની સમજાવટ બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. આ ઘટના બાદ શાહપુર વિસ્તારમાં સતત અફવાઓ ફેલાવાના કારણે વાતાવરણ તંગદિલીભર્યુ જાવા મળી રહ્યુ છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન તોફાની તત્ત્વો આતંક મચાવી રહ્યા છે.
શહેરના શાહપુર વિસ્તારમાં વાતાવરણને ડહોળવાના પ્રયાસથી પોલીસ અધિકારી સતત નજર રાખી રહ્યા છે. પરંતુ સ્થાનિક નાગરીકોમાં ફફડાટ જાવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં કેટલાંક સ્થળો ઉપર રાત્રી દરમ્યાન વાતાવરણ તંગ બની જાય છે.
દિવસ દરમ્યાન આ વિસ્તારમાં પણ અજંપાભરી શાંતિ જાવા મળી રહી છે. શાહપુર વિસ્તારમાં જ આવેલી આંબલીની પોળમાં છેલ્લા બે દિવસથી તોફાની તત્ત્વો દ્વારા પત્થરમારો કરવા ઉપરાંત કાચની બોટલો પણ ફેંકવામાં આવી રહી છે જેના પરિણામે આ પોળના નાગરીકો ભય હેઠળ રાત પસાર કરી રહ્યા છે.
રાત્રીના અંધકારનો લાભ ઉઠાવતા તોફાની તત્ત્વો ઝડપી લેવા પોળના રહીશો રાત્રે જાતે જ ચોકીફેરો કરવા લાગ્યા છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ગંભીર એવી આ ઘટનાની તપાસ શરૂ કરી છે.તાજેતરમાં જ રથયાત્રાનો તહેવાર કોમી એખલાસના વાતાવરણ વચ્ચે પૂર્ણ થયો છે. પરંતુ શાહપુરમાં છેલ્લા ત્રણ દિવસથી આંબલીની પોળમાં થઈ રહેલા કાંકરીચાળાને કારણે વાતાવરણ ડહોળાઈ ગયુ છે. છેલ્લા દસ દિવસમાં બે વખત અફવાઓ ફેલાવાના કારણે લોકોના ટોળેટોળા રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા.
પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની સમજાવટથી પરિસ્થિતિ થાળે પાડવામાં આવી રહી છે. શાહપુરમાં શાંતિ ડહોળવાના થઈ રહેલા પ્રયાસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત શહેર પોલીસ કમિશ્નરના સંપર્કમાં છે. અને સંપૂર્ણ પરિસ્થિતિ પણ ચાંપતી નજર રાખવા આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન પોલીસની જીપો આ વિસ્તારમાં ફરી રહી છે. આંબલીની પોળની આસપાસના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.