શાહપુરમાં હલીમની ખડકી પાસે પાણીની પાઈપલાઈનના રીપેરીંગ કરાતાં રસ્તો બ્લોક
એક તરફ ટ્રાફિકના નવા નિયમો લાગુ પડી ગયા છે જ્યારે બીજી તરફ કોર્પોરેશન અથવા કેટલીક ખાનગી કંપનીઓ કેબલના કામ માટે વારંવાર રસ્તાઓ ખોદી નાંખે છે આવા સમયે સામાન્ય નાગરીકોની મુશ્કેલીઓ વધી જાય છે. અમદાવાદના જૂના કોટ વિસ્તારોમાં વર્ષો જૂના રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો આવેલા છે. જેમાં પાર્કિગની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. આવા સમયે અ. મ્યુ. કોર્પો. અથવા અન્ય ખાનગી કંપનીઓ કોઈક ને કોઈક કારણોસર રસ્તાઓ ખોદી નાંખે છે.
જેને રીપેર કરવાની કામગીરી ગોકળ ગતીએ ચાલતી હોય છે. ઉપરાંત ફૂટપાથ પર દબાણો જોવા મળે છે. લોકો રસ્તા પર જ પોતાના વાહનો ઉભા રાખે છે. તેમજ રીક્ષા ચાલકો રીક્ષા પેસેન્જરો લેવા રસ્તા પર જ ઉભી રાખી દે છે. આવા સમયે ટ્રાફિક જામ થાય છે છતાં પણ પોલીસ અને વહીવટી તંત્ર આંખ આડા કાન કરી દે છે.
શહેરના શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે જાહેર રોડ પર મ્યુનિ. કોર્પો. દ્વારા પીવાના પાણીની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવી રહયું છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પુરાણ કરવામાં નહી આવતા કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાવાની દહેશત સેવાઈ રહી છે જેના પગલે સ્થાનિક નાગરિકોએ ખાડાની આસપાસ બાંકડા મુકી દીધા છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)