શાહપુર ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે : ૩૦ એકર જમીન સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવાઇ : નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં બાળ શિક્ષણ નો વ્યાપ વધે તથા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યમંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, સેક્ટર-૨૦, ગાંધીનગર ખાતે કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના નવિન ભવન માટે રાજ્ય સરકાર સમક્ષ જમીનની માંગણી કરાઇ હતી. જેને ધ્યાને રાખીને શાહપુર ખાતે આ ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, શાહપુર ખાતે નિર્માણ થનાર આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓનું પ્ર.શિક્ષણ કરાશે જેનાથી તેજસ્વી બાળકો જન્મે તથા બાળકોના સર્વાંગી વિકાસલક્ષી અનેક આનુષાંગિક સુવિધાઓનું નિર્માણ કરાશે.
હાલ આ યુનિવર્સિટી રાજ્ય સરકાર સંચાલિત યુનિવર્સિટી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા હાલ પગાર ભથ્થા તથા અન્ય બાલ ઉછેર લક્ષી શિક્ષણ માટે ૧૦૦ % ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગત ૨૦૧૯-૨૦ ના વર્ષમાં રૂ.૫.૩૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ યુનિવર્સિટીના નિર્માણના બાંધકામનો તમામ ખર્ચ રાજ્ય સરકાર કરશે.