શાહરૂખનો પુત્ર દિલીપ કુમાર અને સાયરા બાનુનો ચાહક
મુંબઈ: બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન અને હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા દિલીપ કુમાર વચ્ચે અમૂલ્ય સંબંધ છે. શાહરૂખ ખાન અને દિલીપ કુમાર વચ્ચે જેવો પવિત્ર સંબંધ છે તેવો ભારતીય સિનેમામાં શોધવો મુશ્કેલ છે. સાયરા બાનુ અને દિલીપ કુમાર અનેકવાર શાહરૂખ પ્રત્યેનો તેમનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા છે.
એક ઈન્ટરવ્યૂમાં તો સાયરા બાનુએ શાહરૂખને પોતાનો દીકરો ગણાવ્યો હતો. આજે શાહરૂખ ખાનનો ૫૫મો જન્મદિવસ છે. માનેલા દીકરા શાહરૂખ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ વ્યક્ત કરતાં સાયરા બાનુએ કહ્યું, અમે બંને (સાયરા અને દિલીપ કુમાર) તેને ખૂબ પ્રેમ કરીએ છીએ.
અમે હંમેશાથી તેને પસંદ કરતા આવ્યા છીએ. તે અમારી ખૂબ નજીક છે અને અમારા દિલમાં તેનું ખાસ સ્થાન છે. જણાવી દઈએ કે, સાયરા બાનુ અને દિલીપ કુમાર માટે શાહરૂખ પરિવારના સભ્ય સમાન છે. બાંદ્રાના પાલી હિલમાં આવેલા દિલીપ કુમારના બંગલા પર શાહરૂખ અવારનવાર તેમને મળવા જાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે શાહરૂખ દીકરી સુહાના સાથે પીઢ અભિનેતાને મળવા તેમના ઘરે ગયો હતો. દિલીપ કુમાર હોસ્પિટલમાં હતા.
ત્યારે શૂટિંગમાં વ્યસ્ત હોવાથી શાહરૂખ ત્યાં મળવા નહોતો જઈ શક્યો, માટે ઘરે ગયો હતો. રસપ્રદ વાત તો એ છે કે, શાહરૂખે લીધેલી દિલીપ કુમારની મુલાકાતની તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. આજે બોલિવુડના કિંગ ખાનનો ૫૫મો જન્મદિવસ છે. હાલ તો શાહરૂખ ખાન પરિવાર સાથે દુબઈમાં છે. આઈપીએલ ૨૦૨૦માં શાહરૂખ પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને ચીયર કરવા દુબઈ પહોંચ્યો છે.
સામાન્ય રીતે દર વર્ષે શાહરૂખના બર્થ ડે પર તેના ઘર ‘મન્નત’ની બહાર ફેન્સની ભીડ એકઠી થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે શાહરૂખે ફેન્સને આવું કરવાની ના પાડી હતી. શાહરૂખના બર્થ ડે પર તેના ફેન ક્લબ દ્વારા ૫,૫૫૫ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાહરૂખના ફેન ક્લબ્સે એક્ટરના બર્થ ડે પર વર્ચ્યુઅલ પાર્ટીનું આયોજન કર્યું છે. જેમાં દુનિયાભરમાંથી જોડાવાના હતા. શાહરૂખ ખાનના ફેન્સ તેના બર્થ ડેને યાદગાર બનાવવામાં કચાશ નથી રાખવા માગતા. તો આ તરફ સેલેબ્સે પણ શાહરૂખને બર્થ ડે પર શુભેચ્છા પાઠવી હતી.