શાહરૂખ ખાન ફિલ્મ પઠાણમાં એક્શન કરતો નજરે પડશે
મુંબઈ, શાહરૂખ ખાનના ચાહકો છેલ્લા બે વર્ષથી સતત તેની આગામી ફિલ્મ વિશે જાણવા ઉત્સુક છે. વર્ષ ૨૦૧૮ માં ‘ઝીરોમાં શાહરૂખ દેખાયો હતો. લોકડાઉન સમયગાળા દરમિયાન, ‘કિંગ ખાન’એ ઘણી સ્ક્રીપ્ટ ઘરે બેઠા સાંભળી છે. આ સાથે જ હવે એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે તે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની મેગા એક્શન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ હાલમાં ‘પઠાણ’ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ શાહરૂખ રાજકુમાર હિરાની સાથે એક સામાજિક કોમેડી ફિલ્મ પણ કરવા જઇ રહ્યો છે. જ્યારે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે.
આ એક્શન ફિલ્મનું નિર્માણ વાયઆરએફ પ્રોજેક્ટ ૫૦ હેઠળ કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘પઠાણ’માં શાહરૂખ તેની કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ભવ્ય ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખે કહ્યું હતું કે તે પણ આવી જ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખના પાત્રનું નામ પણ ‘પઠાણ’ હશે. એવા પણ સમાચાર છે કે દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે ચર્ચામાં છે. ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ જેવી ફિલ્મોમાં દીપિકા અને શાહરૂખ પહેલા કામ કરી ચુક્યા છે.
જોકે હાલમાં ‘પઠાણ’ અંગે પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે યશ રાજ ફિલ્મ્સ શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને સલમાન ખાનના ટાઇગર ૩ની એક સાથે જાહેરાત કરવાની છે. આ જાહેરાત આવતા મહિને સપ્ટેમ્બરમાં થઈ શકે છે.SSS