શાહિદ કપૂરની સાવકી માંએ ગુજરાતી થાળી બનાવી
મુંબઈ: શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. મીરા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની ડેઈલી લાઈફની ઝલક બતાવતી રહી છે. હાલમાં જ મીરા રાજપૂતે શાહિદ કપૂરની સાવકી મમ્મી સુપ્રિયા પાઠક દ્વારા તૈયાર કરેલા સ્વાદિષ્ટ ભોજનની ઝલક બતાવી હતી. એક્ટ્રેસ સુપ્રિયા પાઠકે શાહિદ અને મીરા માટે ગુજરાતી થાળી તૈયાર કરી હતી. મીરાએ શેર કરેલી થાળીની તસવીરમાં કઢી-ભાત, તીખી ભાખરી, ઘૂઘરા, ઢોકળા, શાક, ચટણી, સલાડ જેવી વાનગીઓ જેવા મળી રહી છે. સુપ્રિયા પાઠક જાણીતી કોમેડી સીરિયલ ‘ખીચડી’માં હંસાનો રોલ કરી ચૂક્યા છે.
ત્યારે મીરાએ તસવીર શેર કરતાં મજાકમાં કહ્યું, હંસાએ બનાવેલી ખીચડી નથી. સાથે જ સાવકા સાસુએ બનાવેલા ભોજનના વખાણ કરતાં લખ્યું, સરસ ગુજ્જુ થાળી સુપ્રિયાબેન. થોડા દિવસ પહેલા જ મીરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના બાળકો મીશાને તૈયાર કરેલા સલાડની તસવીર શેર કરી હતી. સલાડમાં ગાજર અને કાકડી સહિતના શાક હતા. આ તસવીર સાથે મીરાએ લખ્યું હતું, મારા બાળકોએ મારા માટે સલાડ બનાવ્યું અને મને ખવડાવ્યું. મેં ચોક્કસ કંઈક સારું કર્યું હશે. જણાવી દઈએ કે, શાહિદ કપૂર પંકજ કપૂર અને નીલિમા અઝીમનો દીકરો છે. પંકજ કપૂરે ૧૯૮૪માં નીલિમા જાેડે ડિવોર્સ લીધા હતા
થોડા વર્ષો બાદ સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસ પહેલા એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સુપ્રિયાએ શાહિદ સાથેની પહેલી મુલાકાત અંગે કહ્યું હતું, શાહિદ જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે ઘણાં વર્ષો સુધી હું તેના જીવનમાં નહોતી. હું તેના પિતાની મિત્ર હતી અને માટે તેને મળી હતી. માટે અમારો સંબંધ મિત્રો જેવો છે અને આજે પણ તે અકબંધ છે. મીરાનું બોન્ડ સુપ્રિયા પાઠક સાથે પણ સારું છે અને શાહિદ કપૂરની મમ્મી નીલિમા સાથે પણ.
થોડા દિવસ પહેલા ઈન્ટરવ્યૂમાં નીલિમાએ મીરા વિશે વાત કરતાં કહ્યું હતું, મીરા સાથે મારી મુલાકાત થયા પછી તરત જ મને લાગ્યું કે તે માત્ર સુંદર અને ગ્લેમરસ નથી પરંતુ એવી છોકરી છે જે સંતુલન રાખવાનું અને પ્રેમ કરવાનું જાણે છે. મને તરત જ તે પસંદ આવી ગઈ હતી. મીરાની મમ્મી પણ મારી બહેનપણી છે. મીરા મારા માટે દીકરી જેવી છે. સાચું કહું તો અમે મિત્રો છીએ.