શાહિબાગમાં SRP જવાનનો ફોન આંચકી બે શખ્સો એક્ટીવા પર ફરાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હાલ સુધીમા સામાન્ય નાગરીકો સાથે ચોરી, લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓ બનતી હતી. જા કે શાહિબાગ વિસ્તારમાં શહેર પોલીસ કમિશ્નરની ઓફિસમાં ફરજ બજાવતા એક એસઆરપીના જવાન નો મોબાઈલ ફોનની ચીલઝડપની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ચીલઝડપનો ભોગ બનનાર પિયુષકુમાર અમૃતલાલ પરમાર મૂળ સાબરકાંઠા, ઈડરના રહેવાસી છે. એસઆરપી ગૃપ ૧૩માં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત પિયુષભાઈની ડ્યુટી હાલમાં અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં છે. જ્યાં તે સ્ટ્રાઈકીંગ ફોર્સ સાથે જાડોયેલા છે. હાલમાં સીપી ઓફિસ સામે જ શાહિબાગ મ્યુનિસીપલ શાળા નં. ૬ માં ઉતારામાં રહેતા પિયુષભાઈ સોમવારે રાત્રે નોકરી પછી જમ્યા બાદ ચાલવા નીકળ્યા હતા. ચાલતા ચાલતા તે સ્વામિનારાયણ મંદિરથી આગળ બાવાબાદ કુલાની ચાલી પાસે પહોંચ્યા હતા.
ત્યારે અચાનક જ એક એક્ટીવા ઉપર બે શખ્સો આવ્યા હતા. ર૮ વર્ષીય પિયુષભાઈ કંઈ સમજે એ પહેલાં જ પાછળ બેઠેલા શખ્સે તેમનો મોબાઈલ ફોન ઝુંટવી લેતા ચાલકે એક્ટીવા નમસ્તે સર્કલ તરફ ભગાવી મુક્યુ હતુ. જેથી પિયુષભાઈએ બુમાબુમ કરી મુકી હતી. બાદમાં ઘટનાસ્થળ માધુપુરાની હદમાં આવતુ હોઈ તે માધુપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને પોતાની ફરીયાદ નોંધાવી હતી.