શાહીનબાગના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે
નવી દિલ્હી: શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મંત્રણાકાર વજાહત હબીબુલ્લાએ પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. તેમણે કહ્યું છે કે, સુધારવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનની સામે શાહીનબાગમાં ચાલી રહેલું પ્રદર્શન શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે, પાંચ રસ્તા પોલીસે બંધ કર્યા છે.
સુપ્રીમ કોર્ટ તરફથી શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવા માટે મોકલવામાં આવેલા ત્રણ મંત્રણાકારો પૈકી એક હબીબુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સોમવારના દિવસે બે સભ્યોની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. વજાહત ઉપરાંત આ મામલામાં સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મંત્રણાકાર બનાવવામાં આવ્યા હતા. મંત્રણાકારોએ શાહીનબાગ જઇને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી પરંતુ રસ્તો ખોલાવવામાં સફળતા મળી નથી.