‘શાહીન બાગ’ મુદ્દે કેજરીવાલ અને અમિત શાહ આમને-સામને
નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયુ છે. બન્ને નેતાઓ ‘શાહીન બાગ’ મુદ્દે આમને સામને આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી નાગરિકતા કાયદાને લઇને શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે ટિ્વટ કર્યું હતું અને લખ્યું હતું કે શાહીન બાગ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, ભાજપ ઇચ્છતી નથી કે આ રસ્તો ખુલે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહીન બાગનો રસ્તો ખોલાવી શકે છે તેમાં મારા તરફથી લીલી ઝંડી છે.
નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતા સતત આમ આદમી પાર્ટીને આ મામલા પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કેજરીવાલે સોમવારે આ મામલે મૌન તોડ્યું હતું. શાહીન બાગ મામલા પર તેમણે કહ્યું કે, શાહીન બાગનો રસ્તો આઠ ફેબ્રુઆરી પહેલા ખુલશે નહી પરંતુ નવ તારીખે ખુલ્લી જશે. ભાજપ ઇચ્છતી નથી કે રસ્તો ખુલે. ગૃહમંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને પિયુષ ગોયલને અપીલ કરું છું કે તેઓ શાહીન બાગ જાય, ત્યાંના લોકો સાથે વાત કરે અને રસ્તો ખોલાવે. લોકોને તકલીફ થઇ રહી છે.
ભાજપ દેશની સુરક્ષા પર ગંદી રાજનીતિ કરી રહી છે.દિલ્હી સીએમ કેજરીવાલે અમિત શાહને કહ્યું કે, તમારે શાહીન બાગમાં જવુ જોઇએ અને પ્રદર્શનકારીઓને સમજાવવા જોઇએ. કેજરીવાલના પ્રશ્નનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, કેજરીવાલ શાહીન બાગના લોકો સાથે છે તો પ્રદર્શનકારીઓ તેમની જ વાત માનશે. ખરેખરમાં, કેજરીવાલે કહ્યું હતુ કે, અમિત શાહ અને બીજા મંત્રઓએ શાહીન બાગમાં જવુ જોઇએ અને લોકો સાથે વાતચીત કરવી જોઇએ, રસ્તો ખોલાવવો જોઇએ. શાહીન બાગનો રસ્તો બંધ છે તેથી લોકોને અવરજવરમાં તકલીફ થઇ રહી છે. બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે. બસ, કેજરીવાલના આ નિવેદન બાદ અમિત શાહે જવાબ આપ્યો કે, તમે લોકો કહો છે કે, તમે શાહીન બાગની સાથે છો, જો તમારામાં હિંમત હોય તો તેમની સાથે જઇને બેસો, અને દિલ્હીને ફેંસલો લેવા દો. શાહે કહ્યું કે પ્રદર્શનકારીઓ તમારી વાત માનશે.