શાહીબાગઃ પોલીસ પુત્ર સાથે પણ ૭૦ હજારથી વધુની છેતરપિંડી

અમદાવાદ : થોડાં દિવસ અગાઊ સાયબર ક્રાઈમે કોલ સેન્ટર ઊપર દરોડો પાડીને પકડેલી ટોળકી સામે વધુ એક ગુનો નોંધાયો છે. શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીનાં પુત્રએ આ ફરીયાદ નોંધાવી છે. મોહનભાઈ દેસાઈ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે.
તેમનાં પુત્ર વિજય કુમાર સિક્યુરીટી કંપનીમાં નોકરી કરે છે. સાયબર ક્રાઈમે ઝડપી પાડેલી ટોળકીએ વિજયભાઈને પણ એરપોર્ટમાં નોકરીની લાલચ આપીને તેમની પાસે તમામ દસ્તાવેજા મંગાવીને ઈન્સ્યોરન્સ, રજીસ્ટ્રેશન ઊપરાંત અન્ય ચાર્જનાં નામે ટુકડે ટુકડે રૂપિયા ૭૦ હજારથી વધુ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સાયબર ક્રાઈમે ગઠીયા ટોળકી ઝડપી લીધા બાદ વિજયભાઈને આ અંગેની જાણ થઈ હતી. આ ટોળકી સામે હજુ પણ વધુ કેટલાંક ગુના બહાર આવવાની સંભાવનાં છે.