શાહીબાગમાં કોવીડ કેર સેન્ટરનો શુભારંભ કરાવતા ગૃહ રાજય મંત્રી
કોરોના રસીકરણ મહાઅભિયાનમાં સમગ્ર ભારતમાં ગુજરાત મોખરે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
સમાજ અને સેવાભાવી સંસ્થાઓની સહિયારી શક્તિથી મહામારી પર વિજય મેળવવાનો નિર્ધાર વ્યક્ત કરતા ગૃહરાજ્યમંત્રીશ્રી
કોરોનાને નિયંત્રિત કરવા માટે ગૃહવિભાગે સમયાંતરે કાનૂનમાં જરૂરી સુધારા કર્યા
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ઘાસીરામ ચૌધરી ભવન ખાતે રિદ્ધિ-સિદ્ધિ કોવીડ કેર સેન્ટર ના શુભારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. તેથી જ સમગ્ર ભારતમાં રસીકરણ મહાઅભિયાનમાં ગુજરાત રાજ્ય ૨૦ ટકા સાથે મોખરે છે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ પ્રજાને સુરક્ષા-કવચ પૂરુ પાડવામાં રાજ્ય સરકાર ક્યારેય પાછી પાની નહીં કરે તેમ જણાવતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાં કોવીડ વેક્સિનેશનના લક્ષ્યાંકને પાર પાડવા માટે રાજ્ય સરકારે વધુ અઢી કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.
કોવીડ કેર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોવીડના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા સંખ્યાબંધ પગલાઓની વિગતો આપતા કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં સમગ્ર રાજ્યમાં સાત લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો રાજ્ય સરકારે વિના મૂલ્યે પૂરો પાડ્યો છે.
ગૃહ રાજયમંત્રીશ્રીએ કોવીડ બેડની સંખ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,રાજ્યભરમાં ૧૫ માર્ચે માત્ર ૪૫ હજાર પથારી ઉપ્લબ્ધ હતી, જે આજે વધીને એક લાખે પહોંચી છે. આમ, નાગરિકોને આરોગ્યસુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
તેમણે ગુજરાતમાં કોવીડના દર્દીઓ માટે ઓક્સિજનના પુરવઠા માટે કરવામાં આવી રહેલા કઠોર પરિશ્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે , ૧૫ માર્ચે રાજ્યમાં માત્ર ૧૩૫ મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન અને વપરાશ હતો, જે આજે ૧૧, ૧૫૦ મેટ્રિક ટને પહોંચ્યો છે. આમ, રાજ્યમાં પ્રાણવાયુના પુરવઠા માટે રાજ્ય સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કોવીડના દર્દીઓને ઓક્સિજન પુરતો પુરવઠો મળી રહે તે માટે રાત-દિવસ મહેનત કરી રહી છે. અને આ જ કટિબદ્ધતાના પગલે નવા ૧૧ PAS ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગૃહરાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ કોરોના મહામારીના વ્યવસ્થાપનમાં વર્તમાન સમયમાં ગૃહવિભાગે સમયાંતરે કરેલા કાનૂની સુધારાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિને પારખીને જ્યાં જરુર જણાઈ છે ત્યારે કરફ્યૂની અમલવારી કરી કોરોનાને કાબૂમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ અવસરે ગૃહરાજ્યમંત્રી શ્રીએ કોવીડ મહામારીને નાથવામાં સમાજના સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે, સમાજના શ્રેષ્ઠીઓની અમાપ શક્તિઓ અને સંવેદનાના કારણે જ આપણે સૌ કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને આરોગ્ય સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે રાજ્યમાં બે લાખથી વધુ તબીબી સ્ટાફ( ડોક્ટર્સ, નર્સ,પેરા-મેડિકલ સ્ટાફ) 24X7 કાર્યરત છે.ગૃહરાજ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દ્વારા કોવીડ સંક્રમણને નિયંત્રિત કરાયું છે. અને શહેરમાં ૨૫૭ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ૧૬ હજારથી વધુ ઘરોને આવરી લેવામાં આવ્યા છે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે અમદાવાદ શહેરમાં કોવીડ કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા રાજ્ય સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી અને ખાનગી હોસ્પિટલોની મદદથી કોવીડ મેનેજમેન્ટની વ્યૂહરચના ઘડી કાઢી છે. જે મુજબ ૧૧ સરકારી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
જેમાં બેડની સંખ્યા ૫ હજારથી વધુ છે. આ ઉપરાંત ૧૭૧ ખાનગી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે નિયુક્તિ કરી છે. જેમાં બેડની સંખ્યા – ૭,૭૦૬ એ પહોંચી છે. આ હોસ્પિટલોમાં વધારાના બેડ ઉમેરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે રાજસ્થાન સેવા સમિતિ દ્વારા મુખ્યમંત્રી કોરોના રાહત નિધિમાં રૂ. પાંચ લાખની સહાયનો ચેક ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યો હતો.
કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, મ્યુનિસિપલ કાઉન્સિલર સર્વે શ્રી ભરતભાઈ પટેલ, જશુભાઇ ઠાકોર, પ્રતિભાબેન જૈન, જસ્મિનાબેન ભાવસાર, રાજસ્થાન સેવા સમિતિના ચેરમેન શ્રી ગણપતભાઈ ચૌધરી તેમજ સમાજના અગ્રણીઓ શ્રી બાબુલાલ શેખાની, કુમારજી, વિઠ્ઠલજી, સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.