શાહીબાગમાં ડોકટર દંપત્તિના ઘરમાંથી ચોરી
દિવાળી નિમિતે ઘર સાફ કરવા માટે બોલાવેલી બે મહિલાઓએ લાખોના દાગીનાની ચોરી કર્યાંની આશંકાઃ શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે શહેર પોલીસ કમિશ્નર દ્વારા ચોરીની ઘટનાઓ અટકાવવા માટે ખાસ જાહેરનામુ બહાર પાડયું છે પરંતુ સામાન્ય દિવસોમાં પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ પોલીસતંત્રના કારણે સામાન્ય નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે.
શહેરમાં રોજે રોજ ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. નાઈટ પેટ્રોલીંગના દાવા પણ પોકળ સાબિત થઈ રહયા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે શહેરના શાહીબાગ વિસ્તારમાં મહિલા તબીબે દિવાળી નિમિત્તે ઘરમાં સાફ સફાઈ કરવા માટે બોલાવેલી બે મહિલાઓ લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે આ અંગે ડોકટર દંપતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘરોને સુશોભિત કરવા તથા સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે જાહેર સ્થળો પર રોશની કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકો દિવાળીના દિવસોમાં ખરીદી પણ કરતા હોય છે જેના પરિણામે ધીમે ધીમે બજારમાં ઘરાકી પણ જાવા મળી રહી છે.
શહેરના શાહીબાગ વિસ્તારમાં કલ્પતરૂ એપાર્ટમેન્ટમાં રહેતા ડો. મનીષાબેને પણ દિવાળી નિમિત્તે ઘરમાં સાફ સફાઈ કરવાનો નિર્ણય કર્યો હતો તેમના ઘરમાં પ્રવિણા નામની એક મહિલા નિયમિત રીતે કચરા પોતુ કરવા માટે આવતી હતી મનીષાબેનના પતિ ભારતભાઈ યુએન મહેતા હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવે છે. જયારે મનીષાબેન પોતે પણ તબીબ છે.
મનીષાબેને પોતાની કામવાળી બાઈ પ્રવિણાને ઘરમાં સાફ સફાઈ કરવા માટે જણાવ્યું હતું ઘરમાં સાફ સફાઈ માટે પ્રવિણાએ આ માટે પોતાની પરિચિત બે મહિલાઓને લઈને આવવાનું જણાવ્યું હતું. ગઈકાલે પ્રવિણાબેનના કહેવાથી કલ્પતરૂ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી ચાલીમાં રહેતી પીન્કી દંતાણી તથા બહેરામપુરા દુધવાળી ચાલીમાં રહેતી પારૂલ દંતાણી નામની બંને મહિલાઓ મનીષાબેનના ઘરે સાફ સફાઈ માટે આવી હતી.
ઘરમાં સાફ સફાઈનું કામ શરૂ કરવાનું હોવાથી મનીષાબેને પોતાના કિંમતી સોનાના દાગીના પ્લાસ્ટિકની થેલીમાં વીટી બોક્ષમાં પેક કર્યાં હતા અને આ બોક્ષ રસોડાના માળિયા પર સંતાડીને મુકી દીધું હતું.
ઘરની સાફ સફાઈ પતી ગયા બાદ પીન્કી અને પારૂલ ઘરેથી ચાલ્યા ગયા હતાં ત્યારબાદ મનીષાબેને રસોડામાં માળીયા પર સંતાડેલા દાગીનાની પેટી કાઢી હતી અને તે ખોલતા જ તેમાંથી તમામ દાગીના જાવા મળ્યા ન હતાં જેના પરિણામે તેઓ ગભરાઈ ગયા હતાં અને તેમણે તાત્કાલિક પોતાના પતિ ભારતભાઈને ફોન કરીને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ ભારતભાઈ પણ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતાં.
મનીષાબેને જણાવ્યું હતું કે તેમણે ખોખામાં પોતાના ત્રણ સોનાના સેટ, બુટી બાજુબંધ, હાથના પંજા, મંગળસુત્ર, વીટીઓ, સોનાની લકી, સોનાની પાયલો, બે પાટલા સહિતના દાગીના મુક્યા હતાં. પરંતુ તે તમામ દાગીના ચોરી ગયા છે. આ ઘટનામાં મનીષાબેને ઘરે કામ કરવા આવેલી પીન્કી અને પારૂલ પર શંકા વ્યકત કરી હતી.
આટલી મોટી રકમના સોનાના દાગીના ચોરી થતાં જ ડોકટર દંપતિ ગભરાયેલી હાલતમાં તાત્કાલિક શાહીબાગ પોલીસ સ્ટેશને પહોચી ગયું હતું અને ત્યાં હાજર પોલીસ અધિકારીને સમગ્ર ઘટનાની જાણ કરતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. બીજીબાજુ આ અંગેની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં અને તાત્કાલિક આ અંગે ફરિયાદ દાખલ કરી જે બે મહિલા કામવાળી બાઈઓ પર આશંકા સેવવામાં આવી રહી છે.
તેની ઝડપી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોરાયેલા સોનાના દાગીનાઓની કુલ કિંમત અંદાજે ૮ લાખ જેટલી થવા જાય છે. પરંતુ આ રકમ તેનાથી પણ વધુ હોય તેવુ મનાઈ રહયું છે. શાહીબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.