શાહીબાગ આર્મી કેમ્પ નજીક દંપતીને અટકાવી ૭૦ હજારની મત્તાની લૂંટ

અમદાવાદ : શાહીબાગમાં મોડી રાતે દંપતી કારમાં પોતાનાં ઘરે જઈ રહ્યું હતું ત્યારે અન્ય એક કારમાં આવેલાં લુંટારૂએ તેમની કાર આંતરીને સોનાનાં દોરા તથા રોકડ સહિત રૂપિયા ૭૦ હજારની લૂંટ ચલાવતાં ચકચાર મચી છે. અચાનક બનેલી ઘટના બાદ દંપતી ગભરાઈ ગયું હતું. અને પોલીસને જાણ કરી હતી.
પ્રેમ હરેશભાઈ સીંધી નાના ચિલોડા, નરોડા ખાતે રહે છે અને કુબેરનગર નજીક ઈલેક્ટ્રીક્સની વસ્તુઓનો વેપાર કરે છે. રવિવારે રાત્રે અગિયાર વાગ્યે પ્રેમભાઈ તથા તેમની પત્ની નિશા ઊપરાંત પુત્ર નૈતિક કારમાં પત્નીનાં પિયર મણીનગર ખાતે જવા નીકળ્યા હતાં. અને હાંસોલ સર્કલ ખાતે પાન ખાવા રોકાઈ ફરી આગળ વધ્યા હતાં.
જ્યાંથી શાહીબાગ હનુમાન કેમ્પ રોડ ઊપર આર્મી પુનઃ વસવાટ કેન્દ્ર નજીક પહોંચ્યા ત્યારે આશરે સાડા અગિયાર વાગ્યાનાં સુમારે નંબર પ્લેટ વગરની એક ગાડીએ તેમની કાર આંતરીને ઊભી રખાવી હતી. જેમાંથી ઊતરી આવેલો એક શખ્સ તેમની પત્નીની બાજુમાં ગોઠવાઈ ગયો હતો. જ્યારે બીજા તેમની બાજુમાં આવીને કારનાં કાચ ખોલવાનું કહ્યું હતું.
પ્રેમભાઈએ કારનો કાચ નીચે કરતાં જ શખ્સે ગાડીમાંથી ઊતરતાં નહીં કે બુમાબુમ કરતાં નહીં તેમ જણાવી તેમનાં ગળામાંથી સોનાનો દોરો ખેંચી લીધો હતો. ઊપરાંત પ્રેમભાઈએ ખિસ્સામાં રાખેલાં રોકડા પિસ્તાલીસ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા. લુંટ ચલાવ્યા બાદ તેણે બીજાને ગાડી ચાલુ કરવાનું કહીને પ્રેમભાઈની કારની ચાવી છીનવી લીધી હતી. અને રાતનાં અંધારામાં ભાગી છુટ્યા હતાં.
અણધારી ઘટના બાદ દંપતી કેટલીયવાર સુધી સુનમુન બેસી રહ્યું હતું. પછી કંટ્રોલ રૂમને જાણ કરતાં શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બે દાઢીધારી લુંટારૂઓ દ્વારા ૨૫ હજારની કિંમતનો દોરો સહિત ૭૦ હજારની મત્તાની લુંટ ચલાવવાની ફરીયાદ નોંધીને ગુનેગારોની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાંક સમય અગાઉ શાહીબાગ અંડરબ્રીજ નજીક પણ લુંટની આવી જ ઘટના બની હતી.