શિક્ષકની ભૂમિકા માત્ર અભ્યાસક્રમ ભણાવવાની જ નહી પણ બાળકનું ઘડતર કરવાની છેઃ ચુડાસમા
શિક્ષક બાળકને સંસ્કારવાન બનાવવા માટેનું કામ કરે છે
અમદાવાદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીના હસ્તે વિવિધ ફેકલ્ટીના ૨૭૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના દ્વિતીય પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીદાન કરતાં જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકને જન્મ આપે છે, જ્યારે શિક્ષક તે બાળકને સંસ્કારવાન બનાવી જીવન જીવવાનો માર્ગ બતાવે છે.
રાજ્યપાલએ પદવી ગ્રહણ કરતાં વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યમાં શિક્ષક બનવાના છે તેમને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ શિક્ષકોને ઇશ્વરનું સ્વરૂપ માન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક ઇમાનદારીથી ફરજ પાલન કરશે તો શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે. માતા-પિતાના લાલન-પાલનમાં ઉછરલું બાળક એક માત્ર શિક્ષકની પાસે જીવન ઘડતરના પાઠ શીખે છે. માનવ નિર્માણ-શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણનું કાર્ય અતિ કઠિન અને અત્યંત આવશ્યક છે અને આ મહાન કાર્ય એક માત્ર શિક્ષકોએ બજાવવાનું છે.
ભાવિ પેઢી રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે એવું ભારપૂર્વક જણાવતાં રાજ્યપાલએ આ પેઢીના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્વની ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાવિ શિક્ષકો એવા આ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આ દિક્ષાંત સમારોહ શિક્ષાંત નથી. ભાવિ શિક્ષકોએ સતત શિક્ષાવાન-વિદ્યાવાન બનીને ભાવિ પેઢીના ઘડતરના-માનવ નિર્માણના આ મહાયજ્ઞમાં આહૂતિ અર્પવાનું કાર્ય કરવા સજ્જ બનવાનું છે.
રાજ્યપાલએ એમ પણ જણાવ્યું હતું કે, ગુરૂજનો શિષ્યના હ્રદય અને મન સાથે તાદાત્મ્ય સાધે છે એટલે કે શિષ્યનું ભાવનાત્મક અને વૈચારિક ઘડતર કરે છે. કોઇપણ રાષ્ટ્રનો વિકાસ ભૌતિક સુવિધાના વિકાસથી નહીં માનવ ઘડતરથી, વૈચારિક અને બૌદ્ધિક સંપદાથી થાય છે. મનવીનું આ વૈચારિક અને બૌદ્ધિક ઘડતર શિક્ષક જ કરી શકે છે, એમ જણાવી રાજ્યપાલએ પદવીગ્રહણ કરતા સૌ ભાવિ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આઈઆઈટીઈમાંથી ડિગ્રી, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, શિક્ષક હંમેશ માટે વિદ્યાર્થી જ છે તેણે સતત ભણતા રહેવું જોઇએ, એનું શ્રેષ્ઠ ઉદાહરણ કુલપતિ હર્ષદભાઇ પટેલે પૂરૂ પાડ્યું છે, એમને પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ચૂડાસમાએ ઉમર્યું કે, શિક્ષણનો વ્યવસાય એ સતત ચાલતો અને કાયમી વ્યવસ્થા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી આઈઆઈટીઈની સ્થાપના કરાઇ હતી જે વિચાર આજે સાચા અર્થમાં મૂર્તિમંત થયો છે.
નરેન્દ્ર મોદીએ શિક્ષણનો વ્યાપ વધે અને કન્યાઓ શિક્ષણ મેળવતી થાય એ માટે ભિક્ષુક બનીને વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાની ભીખ માંગી હતી અને કન્યા કેળવણી યાત્રા વર્ષ-૨૦૦૧થી શરૂ કરી એના પરિણામે આજે આ યુનિવર્સિટીમાં ડિગ્રી-ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર દીકરીઓએ આ યાત્રા આગળ વધારી છે.