શિક્ષકોના નામે નકલી રજાની ૫૦૦૦ જેટલી અરજી ભરીને ૧૦ કરોડનું કૌભાંડ
પેઈડ લિવ્સના પૈસા એકઠાં કરવાનું નાયબ હિસાબનીસનું કૌભાંડ
અમદાવાદ જિલ્લા પ્રાયમરી એજન્યુકેશન ઓફિસમાં કૌભાંડ-રાજેશ રામીએ વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની ૫૦૦૦ જેટલી અરજી ભરીને ૧૦ કરોડનું કૌભાંડ કર્યું
અમદાવાદ, અમદાવાદ જિલ્લાની પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને પેઈડ લીવ્સના પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની ૫૦૦૦ જેટલી અરજીઓ ભરીને રાજ્ય સરકારની તિજાેરીમાંથી ૧૦ કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું છે.
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું માનવુ છે કે આ માત્ર પ્રાથમિક ખુલાસો છે, શક્ય છે કે વાસ્તવમાં ઘણી મોટી રકમનું કૌભાંડ થયું હોય.
આ બાબતે આરોપી વિરુદ્ધ ત્રણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજેશ રામીએ અમદાવાદ જિલ્લાના આઠ તાલુકાના શિક્ષકોના નામે નકલી ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. જિલ્લા પંચાયત કચેરીના એક અધિકારીએ જણાવ્યું કે, તેણે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૨૦-૨૧ દરમિયાન આ કૌભાંડ કર્યું છે. ત્રણ તાલુકાના દસ્તાવેજાેની તપાસ કરતા અમને ૯.૯૯ કરોડ રુપિયાનું કૌભાંડ થયું હોવાની માહિતી મળી છે. અમને લાગે છે કે આ સ્કેમ ઘણો મોટો છે.
આ કેસની માહિતી આપતા અમદાવાદ શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજેશ રામી વિરુદ્ધ ૧૫મી જુલાઈના રોજ કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તેણે રજાનો ખોટો રેકોર્ડ જમા કરાવીને સાત કરોડ રુપિયા પડાવ્યા છે.
૨૦૧૬-૧૭ના ઓડિટ રિપોર્ટ પરથી આ સ્કેમની વિગતો સામે આવી. જ્યારે અકાઉન્ટની તપા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કરોડો રુપિયાની હેરફેર થઈ છે.
પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે, આરોપીએ વિવિધ શિક્ષકોના નામ કોપી કર્યા હતા અને તેમના નામે ખોટી રજાની અરજીઓ મુકી હતી. તેણે અકાઉન્ટ નંબર બદલી કાઢ્યા અને પેઈડ લીવ્સના પૈસા પોતાના અથવા પોતાના પરિવારના કોઈ સભ્યના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પોતે અકાઉન્ટન્ટ હોવાને કારણે તે સરળતાથી આ કામ પર દેખરખ રાખી શકતો હતો.
આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને તેણે માંડલ તાલુકાના શિક્ષકોના નામે ૨.૬૯ કરોડ અને દેત્રોજ તાલુકાના શિક્ષકોના નામે ૩૦ લાખ રુપિયા એકઠા કર્યા હતા. ડેપ્યુટી પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસર મુકેશ પટેલે આ બાબતે ફરિયાદ નોંધાવી છે.
તેઓ જણાવે છે કે, શિક્ષણ ખાતા અને પોલીસ દ્વારા આ કેસની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અને શિક્ષણ વિભાગના સૂત્રોએ આ કેસમાં અન્ય લોકોની સંડોવણીની કોઈ માહિતી આપી નથી. રાજેશ રામી અત્યારે ફરાર છે.