શિક્ષક અને વિદ્યાર્થિનીએ સજાેડે જીવન ટૂકાવી દીધુ
સુરેન્દ્રનગર: રતનપરામાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરનાં રતનપરમાં ટ્યૂશન ચલાવતા ૪૮ વર્ષનાં શિક્ષક અને ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ શિવધારા ક્લાસીસમાં એકસાથે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બંનેની ત્રણ પાનની સ્યુસાઇડ નોટ પણ મળી છે. જેમાં બંનેએ પોતાના પરિવાર પાસે માફી માંગી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રતનપરમાં રહેતા ૪૮ વર્ષના દિનેશભાઈ અંબારામભાઈ દલવાડીના કલાસમા ૧૯ વર્ષની શ્રધ્ધા મહેશભાઈ ચાવડા નામની વિદ્યાર્થીની ધોરણ ૧૦થી તેમની સાથે ભણવા આવતી હતી. આ દરમિયાન બંનેની આંખો મળી ગઇ હતી. દિનેશભાઈ પરિણિત હતા અને તેમનો પણ શ્રદ્ધા જેટલો જ ૧૯ વર્ષનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. આથી બંનેનાં લગ્ન શક્ય નહોતાં તથા પરિવારજનો અને સમાજ પણ નહીં સ્વીકારે તેવું માનીને બંનેએ ક્લાસીસમાં ધાબાના હૂક સાથે દુપટ્ટા બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. શિવધારા ટયુશન કલાસ સવારે ૧૧ વાગે શરૂ થાય છે. શ્રધ્ધા અને દિનેશભાઈ સવારે સાત વાગ્યે જ કલાસમાં આવી ગયા હતા.
શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. તેવી જ રીતે દિનેશે પણ નવાં કપડાં પહેર્યાં હતાં. ઘટનાસ્થળે શ્રધ્ધાએ સેંથામાં સિંદુર પુરીને, મંગળસુત્ર પહેર્યુ હતુ. પોલીસને સાડા દસે આ અંગેની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. બન્નેની સુસાઈડ નોટ પોલીસને મળી છે. શ્રધ્ધાએ પોતાની સુસાઈડ નોટમાં ભાઈને ભણવામાં ધ્યાન આપવાનુ કહેલ હોવાનુ તથા પપ્પા-મમ્મી, દાદા-દાદીને પાસે માફી માંગી છે. આ સાથે લખ્યું છે કે, પપ્પાની ઈચ્છા મને બેંકમાં નોકરી અપાવીને સારા ઘરમાં પરણાવવાની હતી, જેમાં હું ખરી ઉતરી નથી તે બદલ માફી માંગું છું. તમે બધા મારા ઉપર શંકા કરતા હતા તે વાત સાચી હતી હું ખોટુ બોલીને આ સંબંધોને છુપાવતી હતી. ત્રણ પાનાની સુસાઈડ નોટમાં એક શાયરી પણ લખી છે કે, સમજે તેને સમજાશે બાકી લફરૂ ગણાશે, અનુભવ્યુ છે કે, આ પ્રેમ સાચો છે.