Western Times News

Gujarati News

શિક્ષક શિક્ષણકાર્યના સ્થાને લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક: શિક્ષણ મંત્રી

BZ ગ્રુપના નાણાકીય કૌભાંડમાં કોઈ પણ શિક્ષકો સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે: રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન અને છબિ હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. CID ક્રાઈમ BZ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો, મળતિયાઓ, એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે તેમજ કોઈપણની ભલામણ ચાલશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.