શિક્ષણ મંત્રીએ 2021માં CBSE બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી
ધોરણ 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ 4 મે, 2021થી 10 જૂન, 2021 સુધી યોજાશે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ આજે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની તારીખોની જાહેરાત કરી હતી. શ્રી પોખરિયાલે કહ્યું હતું કે, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ 4 મે, 2021થી 10 જૂન, 2021 સુધી યોજાશે તથા ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો 15 જુલાઈ, 2021 સુધીમાં જાહેર થશે. તેમણે જાણકારી આપી હતી કે, ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 માર્ચ, 2021થી શરૂ થશે.
શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓ અભૂતપૂર્વ અને અનિશ્ચિત સ્થિતિ સંજોગોનો સામનો કરી રહ્યાં છે, પણ શિક્ષકોએ એ સતત સુનિશ્ચિત કરવા કામગીરી કરી છે કે, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
તેમણે સતત કામ કરવા બદલ તથા શિક્ષણની નવી પદ્ધતિઓ અને ટેકનિકો અપનાવવા બદલ શિક્ષકોની પ્રશંસા કરી હતી. તેમણે એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે, સરકાર ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષણ માટે પ્લેટફોર્મ અને કન્ટેન્ટ પ્રદાન કરવા વિવિધ પગલાં પણ લઈ રહી છે.
શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓએ આપેલા સૂચનોને ધ્યાનમાં લઈને તારીખો પર નિર્ણય લેવાયો છે. તેમણે નવા વર્ષની પૂર્વસંધ્યા પર અને વિદ્યાર્થીઓને જીવનમાં અને બોર્ડમાં શ્રેષ્ઠ સફળતા મળે એવી તેમની શુભેચ્છા પાઠવી હતી.