“શિક્ષણ સંસ્થાઓ એ સ્થિતિએ આવી છે કે હવે વિદ્યાર્થીમાંથી વિદ્યાર્થીત્વ ભૂંસાઈ ગયું છે !!”
“પીએચ.ડી કદાચ અતિશિક્ષણના પ્રકોપનું પરિણામ છે ! આટલું બધું ભણ્યા પછી બે પગ જમાવીને નોકરી બજારમાં ઉભા ન રહી શકાય તો ભલભલામાં હતાશા આવી જાય !” |
“જે લોકોએ સરસ્વતીના મંદિરમાં જીવનભર સાધના કરી છે, જેને અધ્યયન કરાવવું છે એમને માટે આજે કેવળ અફસોસ જ છે !!” |
આજના વિદ્યાર્થીને એક નિબંધ તો ફરજિયાત હોવો જાઈએ અને તે એજ કે : ‘ચાર લાખ રૂપિયાની આત્મકથા !’ |
મધુ શાહ, સારા જહાં મેરી જેબ મે.
“હિંદુસ્તાનમાં શિક્ષણે બહુ હત્યાઓ કરી છે ! આ બાબતે કોઈ કંઈ પણ લખતું નથી. અત્યંત દક્ષ વિદ્યાર્થીઓના પરિણામ ખરાબ આવે છે.. કારણ ?… કોલેજાનાં ગર્વ‹નગ બોડીઝ કે સ્કૂલોની મેનેજિંગ કમિટીમાં અર્ધ શિક્ષિતો બેઠા છે ! પ્રવેશમાં ગોલમાલ ચાલે છે ! આરોપો, આક્ષેપો, અભિયોગ.. અંત જ નથી ! જે લોકોએ ઉચ્ચ શિક્ષણ પાછળ એક આખી જિંદગી આપી છે, જે લોકોએ લક્ષ્મીના શીશમહાલમાંથી ભાગીને સરસ્વતીના મંદિરમાં જીવનભર સાધના કરી છે, જેને અધ્યયન કરાવવું છે એમને માટે આજે કેવળ અફસોસ જ છે !! પેપરો ફૂટી જાય છે, પરીક્ષકો પૈસા ખાય છે, સુપરવાઈઝરો ચોરી કરાવે છે – આપણે જે સમાજમાં રહીએ છીએ એજ સમાજનો અહીં પ્રતિઘોષ પડે છે ! ઘણી વાતો સાંભળી જે લખી શકાય તેમ નથી. શિક્ષણમાં પણ રાજકારણનાં સઘળા દૂષણો આવી ગયાં છે.
આપણે આ શિક્ષણની દુનિયાને કેટલી ઉમદા, કેટલી સંસ્કારી, કેટલી ઉદાત્ત સમજી હતી?… ભ્રમની આ માયાજાળ કેટલાં બધાં વર્ષો ચાલી ? કદાચ આજના શિક્ષણના બુઢાપાની આ નિશાની હશે ? શિક્ષણના મૂલ્યો જમાનાનાં મૂલ્યો સાથે બદલાયાં હશે ! પણ સાહેબ ગાંડીવ ધ્રૂજી ગયું છે એ હકીકત છે ! શિક્ષણ સંસ્થાઓ એ સ્થિતિએ આવી છે કે હવે વિદ્યાર્થીમાંથી વિદ્યાર્થીત્વ ભૂંસાઈ ગયું છે ! એક આચાર્ય કહેતાં હતાં કે હવે પરીક્ષાનાં પેપરો તપાસવાનાં બંધ કર્યા છે ! મારી જ કોલેજમાં પરીક્ષા ચાલે છે, પણ મેં ચીફ મોડરેટર થવાનો ઈન્કાર કરી દીધો છે !!
કર્તવ્યનિષ્ઠ પ્રોફેસરો પરીક્ષાનાં પેપરો સ્વીકારતા નથી ! વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ ક્ષેમકુશળ પાર પડી જાય એની જવાબદારી પહાડ જેવી થઈ ગઈ છે ! સારો માણસ પીછેહઠ કરવા માંડે એવી હતાશાની સ્થિતિ છે. આપણે ત્યાં નિશાળની છોકરીઓને શા માટે એલજીબ્રા જયોમેટ્રી અને એરીથમેટિક ફરજિયાત ભણવું પડે છે ? છોકરીઓને જા એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન થવું હોય તો એમનો નિશાળનો અભ્યાસ ગણિત વિના પણ થઈ શકે છે. પણ ગણિતની લોબી બહ જ મજબૂત છે. ગણિત ફરજિયાત છે, માટે સૌથી વધારે કોચિંગ- કલાસ ગણિત ભગાવવાના ચાલે છે !
અને નવું ગણિત અથવા ન્યુમેથેમેટિક્સ આવી ગયા પછી ડેડી- મમ્મીઓની ઘરમાં હોમવર્ક કરાવી આપવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે ! કોચિંગ કલાસ કે ટ્યુશન વિના હવે ગણિત શીખવી શકાતું નથી ! તર્ક અને ગણિતના તજજ્ઞ બર્ટ્રાન્ડ રસેલે ગણિતની વ્યાખ્યા આપતાં કહયું છેઃ ‘ગણિત એ તર્કશુધ્ધ અનર્થ છે ! ’ (મેથેમેટિકસ ઈઝ લોજિકલ નોનસેન્સ) એ અર્થહીન છે અને અર્થહીનતાની પાછળ એક પ્રકારનું અનુશાસન છે !
જયારે ઈઝાક વોલ્ટને ગણિતને ‘એંગલિંગ’ અથવા માછલી પકડવાની કલા સાથે સરખાવ્યું છે.. અને આ કલામાં ક્યારેય સિધ્ધહસ્તતા મળતી જ નથી એવું કહયું છે ! આપણાં દેશમાં ગણિત એવી જડ રીતે શીખવાય છે કે વિદ્યાર્થીને વિષય માટે જ નફરત થઈ જાય. એ જ પ્રમાણે પી.એચ.ડી. એટલે કે ડોકટર ઓફ ફિલોસોફી બહુ જ ઉંચી ડીગ્રી ગણાય છે. કોલેજ કે યુનિવર્સિટીમાં નોકરી કરવી હોય કે તરક્કી કરવી હોય તો પીએચ.ડી જાઈએ.
વળી એમ.ફિલ નામનું નવું પીંછું પણ જાઈએ. આજે દેશની એકસોથી અધિક યુનિવર્સિટીઓમાં એક અંદાજ મુજબ ચાલીસ હજાર વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહયાં છે ! આ બધું તો ઠીક છે પણ પીએચ.ડી ખરેખર કંઈ કામ આવતું હોય છે ? પીએચ.ડી કદાચ અતિ શિક્ષણના પ્રકોપનું પરિણામ છે !? આટલું બધું ભણ્યા પછી, પરિશ્રમ કર્યા પછી બે પગ જમાવીને નોકરી બજારમાં ઉભા ન રહી શકાય તો ભલભલામાં હતાશા આવી જાય. પ્રાપ્ત માહીતી મુજબ જાપાનમાં દસ હજાર પીએચ.ડી. બેકાર છે.
અભ્યાસીઓના કહેવા પ્રમાણે શિક્ષણનો ઓવરડોઝ આનું કારણ છે ! જયારે આ ડીગ્રી મળે છે ત્યારે ઉંમર એટલી બધી થઈ ગઈ હોય છે કે નવી કંપનીઓ માટે એ નકામા થઈ જાય છે. એમની સમસ્યા માત્ર બેકારીની નથી, નોકરી ન મળવાની પણ નથી. પણ… એ અન-એમ્પ્લોયેબલ ‘અનોકરીય’ વર્ગમાં આવી જાય છે ! આપણે ત્યાં હવે એ દિવસ આવી ગયો છે કે સ્કુલમાં કે કોલેજમાં જા અધ્યાપન કરાવવું હોય તો પ્રોફેસર સાહેબો એ વિદ્યાર્થી બની ભણાવવું જાઈએ ! –
તોજ ટ્યુશન કલાસીસની બજાર જે હાટડીઓની માફક ચાલી રહી છે તે ટકી નહીં શકે ! આજે એડમીશન મેળવવું એટલે સ્વર્ગમાંથી ગંગાને જટામાં ઉતારવા જેવું છે ! હવે ૬૦ ટકા એટલે થર્ડ કલાસ, ૭૦ ટકા એટલે કે સેકન્ડ કલાસ અને ૮૦ ટકા એટલે કે ફર્સ્ટ કલાસ જેવું ધોરણ થઈ ગયું છે ! દેશમાં સર્વત્ર ફૂગાવો વધ્યો છે એટલે છોકરાઓના માર્કમાં પણ એની અસર આવે એ સ્વાભાવિક છે. સાહેબ ૬૦ ટકા એટલે ફર્સ્ટકલાસ એ કદાચ સતયુગમાં હતું- કળિયુગમાં ૮પ ટકા વાળાઓની તો લાંબી લાઈનો છે. અને ૯૦ ટકા ઉપર લાવનારાઓને પણ ઈચ્છિત પ્રવેશ ના મળે ત્યાં સુધી હાશકારો નથી ! સ્કુલ કે કોલેજમાં શિક્ષકો શું ભણાવે છે એ ગૌણ થઈ ગયું છે ! કેવું ભણાવે છે એ પછીની વાત છે. પણ શિક્ષકો કહેતાં અચકાતાં નથી – ‘આજનાં છોકરાં હોંશિયાર તો છે પણ મારા બેટાં ભણતા જ નથી !’ એટલે જ હવે ભણવાની ફેશન ટયુશન કલાસિસ તરફ વળી ગઈ છે ! વિદ્યામાં જ રાજકારણ ઘૂસી ગયું છે એ ચિંતાનો મુખ્ય પ્રશ્ન છે !
ખીડકી :
નિરદ ચૌધરીના એક લેખમાં વાંચ્યું હતું કે એમણે પ્રયોગ ખાતર એક છોકરાને સ્કૂલમાં ભણવા જ બેસાડયો ન હતો ! એને ઘરમાં જ એમના વિચારો પ્રમાણે ભણાવ્યો હતો. (સત્યાગ્રહ છાવણી સોસાયટીમાં રહેતાં કવિ રાજેન્દ્ર શુકલની જેમ) અને એક છોકરાંને મા-બાપો ભણાવે છે એમ ભણાવ્યો. એ લેખમાં નિરદ બાબુ લખે છે કે જયારે છોકરો સ્કૂલમાંથી કોલેજમાં ગયો ત્યારે એનું ‘સ્મોકિંગ એલાયન્સ’ શરૂ કર્યું હતું- કોલેજમાં સિગરેટનો ખર્ચ થાય એ માટે ! અને આ છોકરો ઓક્સફર્ડમાં પ્રોફેસર થયો હતો ! બીજાએ કોઈક મશીનરીનો ધંધો કર્યો હતો….!
સ્ફોટક :
સુરતના કોચિંગ કલાસની આગની જ્વાળાઓમાં નાના બાળકો રાખ થઈ ગયાં ! સુરત મ્યુ. કોર્પોરેશન, ફાયર બ્રિગેડ ઓફ સુરત, એ સ્થાનને લગતા ધારાસભ્ય ! એ સ્થાનને લગતાં કોરપોરેટર ! એ સ્થાને સમાવી લેતાં ત્યાંના સાંસદ ! એ સ્થાનનાં મકાન માલિક ! આ છ (૬) વ્યક્તિ/ કે ખાતાના અધિકારી ઉપરાંત ત્યાંની પોલીસ એટલે ૬ વત્તા ૧ = સાત (૭) બધાએ એ રાખની – એ ભસ્મની સોગંદ ખાઈ કબડ્ડીની રમત તત્કાલ બંધ કરી, પૂરી દો એ બધાયને, કાયમ ને માટે- એ જનતાનો સાદ છે ! આજના વિદ્યાર્થીને એક નિબંધ તો ફરજિયાત હોવો જાઈએ અને તે એજ કે : “ચાર લાખ રૂપિયાની આત્મકથા !! ”