શિક્ષણ સંસ્થાના કેમ્પસમાં સતત વધતા સંક્રમણને કારણે IIM-A કોરોનાનુ નવું હોટસ્પોટ
આઈઆઈએમ-એ કેમ્પસમાં કોરોનાના કુલ ૭૦ કેસ નોંધાયા
અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે વધુ ૫ લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં કુલ કેસનો આંકડો ૭૦ પર પહોંચી ગયો છે, જે ખૂબ જ ચિંતાનજક છે. કેમ્પસમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે આઈઆઈએમએ હવે કોરોનાનુ નવું હોટસ્પોટ બની ગયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ આઈઆઈએમએમાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો ૭૦ પર પહોંચ્યો છે. અહીં છેલ્લા ૧૫ દિવસમાં ૭૦ લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે.
જ્યારે આઈઆઈએમએ દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ આઈઆઈએમએમાં ૨૮ માર્ચે પણ ૧૦૦થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૦નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કેસ વધતા અમદાવાદ ફરી હોટસ્પોટ બન્યું છે.
હોળી-ધૂળેટીના દિવસે આઈઆઈએમએ માં ૧૧૬થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૬ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત-ઇંગ્લેન્ડની મેચ જાેવા ગયેલા ૫ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી ૭૦ જેટલા લોકો વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૨૮ માર્ચે કરવામાં આવેલા ૧૧૬ લોકોના ટેસ્ટમાં ૧૦ પોઝિટિવમાં ૯ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા જ્યારે ૨૯ માર્ચે વધુ ૬ લોકો પોઝિટિવ નોંધાયા છે. બે દિવસમાં આઈઆઈએમએમાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓ સહિત ૨૩ લોકો પોઝિટિવ આવ્યા, ૨૬થી ૨૭ માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા.
રિપોર્ટ મુજબ આઈઆઈએમએમાં ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. એએમસી દ્વારા ટેસ્ટ કેમ્પ લગાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સહિતના જે લોકોમાં કોરોનાનાં લક્ષણો હતા તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે મુજબ ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૭ માર્ચ ૨૦૨૧ સુધીમાં આઈઆઈએમએમાં કુલ ૧૯૦ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જાણીએ તો છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૬૦૩, અમદાવાદમાં ૬૦૨, વડોદરામાં ૨૦૧, રાજકોટમાં ૧૯૮ દર્દીઓ નોંધાયા છે. આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે ભાવનગરમાં કોરોનાના નવા ૩૬, જામનગરમાં ૨૫, અમરેલીમાં ૧૯, કચ્છમાં ૧૮, સુરેન્દ્રનગરમાં ૧૩, જુનાગઢમાં ૯, ગીર સોમનાથમાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૬ કેસો નોંધાયા છે.