શિક્ષિત અને કુશળ નાગરિકના ઘડતરમાં પ્રાથમિક શાળા મહત્વનો ભાગ ભજવી માનવ સૂચકાંકની વૃદ્ધિમાં મહત્વનુ યોગદાન આપે છે: તાપી કલેક્ટર
કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી વ્યારાના વાંસકુઇ ખાતે રૂપિયા ૬૦લાખના ખર્ચે નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન અને અણુમથક સાંસ્કૃતિક ભવન”નું લોકાર્પણ:
વ્યારા; એન.પી.સી.આઇ.એલ.-કાકરાપાર અણુવિદ્યુત મથકની સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંતર્ગત રૂપિયા ૬૦ લાખના અંદાજિત ખર્ચે વ્યારા તાલુકાના વાંસકુઇ ખાતે નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન અને અણુમથક સાંસ્ક્રુતિક ભવન”નું લોકાર્પણ તાજેતરમાં તાપી કલેક્ટર આર.જે. હાલાણી અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી એમ.પી. હંસોરાના હસ્તે તથા ગામના સરપંચ ધનસુખભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ તાપી કલેક્ટર આર.જે. હાલાણીએ સરપંચ તેમજ ગ્રામ પંચાયત સભ્યો, શાળા પરિવાર તેમજ ગ્રામજનોને આ સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા નિર્મિત સુવિધાયુક્ત શાળા તેમજ સાંસ્કૃતિક ભવન ગ્રામ્ય વિસ્તારમાં શાળાના શિક્ષણકાર્યમાં ઉત્સાહમાં વધારો કરશે. શિક્ષિત અને કુશળ નાગરિકના ઘડતરમાં પ્રાથમિક શાળા મહત્વનો ભાગ ભજવે છે અને માનવ સૂચકાંકની વૃદ્ધિમાં મહત્વનુ યોગદાન આપે છે.
તેમણે જણાવ્યુ કે, આ કેન્દ્રીય શાળા હોવાથી વિવિધ શાળાકીય તેમજ સરકારી કાર્યક્રમોના આયોજનમાં ખૂબ મદદરૂપ થશે તેથી ભૂતકાળમાં પડેલી અગવડો દૂર થશે. તેમણે ગામને અત્યાધુનિક સુવિધાઓ મળી છે તેની સારી રીતે જાળવણી કરવી જોઈએ સાથો સાથ તેની આસપાસમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. તેમ જણાવી કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા હાથ ધરવામાં આવેલ સી.એસ.આર. પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને આજ રીતે આગામી સમયમાં પણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના વિકાસમાં યોગદાન આપતા રહે એવી આશા વ્યક્ત કરી હતી.
કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી એમ.પી. હંસોરાએ શાળા પરિવાર તેમજ ગ્રામજનોને નવનિર્મિત સુવિધાયુક્ત શાળાનું ભવન તેમજ સાંસ્ક્રુતિક ભવન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે તેમને આવી માળખાકીય સુવિધાઓ નિર્માણ કરતાં જેટલો સંતોષ થાય છે તે કરતાં આવી સુવિધાઓના યોગ્ય ઉપયોગ થકી ગ્રામ્ય બાળકોને પ્રગતિ કરતાં જોઈને થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે અણુમથકની સ્થાપના થઈ ત્યારથી જ અમે આસપાસના વિસ્તારની માળખાકીય સુવિધાઓની જરૂરિયાત સંતોષવા સતત પ્રયત્નશીલ છીએ. કેટલાક ગામોમાં રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા,શાળાના સંપૂર્ણ સુવિધાયુક્ત ભવનોનું નિર્માણ, તેમજ આસપાસના ગામોની મોટાભાગની શાળાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ સાંસ્ક્રુતિક ભવન, મધ્યાન ભોજન કિચનશેડ, કુમાર-કન્યા માટે સેનિટેશન બ્લોક વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે.
મુખ્ય શિક્ષકશ્રી જીતુભાઈએ તેમના ગામમાં “સુવિધાયુક્ત શાળાનું ભવન તેમજ અણુમથક સાંસ્ક્રુતિક ભવન” જેવી આધુનિક સુવિધાઓ આપવાબદલકાકરાપાર અણુવિદ્યુત મથકના અધિકારીઓનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ સર્વશ્રી એમ.વી. પરીખ, ચેરમેન, સી.એસ.આર. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જયેશ પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી બી. શ્રીધર, વ્યારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કિશનસિંહ કુંકણા સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.