શિણોલ કેળવણી મંડળનો પ્રાથમિક વિભાગ બંધ કરવાના ર્નિણયથી વાલીઓમાં રોષ
(પ્રતિનિધિ) બાયડ, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં દાતાઓ દ્વારા પોતાના વિસ્તારના બાળકોને સ્થાનિક કક્ષાએ સારૂ શિક્ષણ મળે તેવા ઉમદા હેતુથી ઉદાર હાથે દાન આપવામાં આવે છે, પરંતુ અમુક સંચાલન મંડળના અણધડ વહીવટ કે પોતાના અંગત સ્વાર્થના કારણે આવી સંસ્થાઓને તાળા લાગી રહ્યાં છે,
આવુજ કંઇક અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જૂની શિણોલ ખાતે આવેલી શિણોલ કેળવણી મંડળ સંચાલિત શિશુ કેન્દ્ર અને પ્રાથમિક શાળા કે જ્યાં લગભગ ચારસો જેટલા બાળકો અભ્યાસ કરે છે તે શાળાને મંડળ દ્વારા અચાનક બંધ કરવાનો આપખુદ શાહી ભર્યો ર્નિણય લઈ શાળાને તાળાં મારવાની તૈયારી ચાલી રહી છે”.
શિણોલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત પ્રાથમિક વિભાગ ( જુનિયર કે.જી. થી ધોરણ – ૫ ) નું શૈક્ષણિક કાર્ય અઠવાડિયા દસ દિવસમાં શરૂ થવાનું છે, ત્યારે મંડળ દ્વારા વાલીઓને કોઈપણ જાતની જાણ કર્યા વગર અચાનક પ્રાથમિક વિભાગને તાળા મારવાનો આપખુદશાહી ભર્યો ર્નિણય લેવામાં આવતાં સેકડો વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને પોતાના બાળકોના શિક્ષણને લઈ ચિંતામાં મુકાયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ જૂની શિણોલ ખાતે શિણોલ કેળવણી મંડળ સંચાલિત શેઠ એલ.પી.હાઇસ્કૂલ કેમ્પસમાં શિણોલ કેળવણી મંડળના સંચાલન હેઠળ દાતાઓના સહયોગથી શેઠશ્રી એમ.પી.શાહ શિશુકેન્દ્ર (જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.) અને માતૃશ્રી કે.એચ.એન શાહ પ્રાથમિક વિભાગ ( ધોરણ -૧ થી ૫) ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે,
શાળામાં ગરીબ તથા મધ્યમ વર્ગના વાલીઓને પરવડે તેવી ફી લઈ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં સ્થાનિક તેમજ આજુબાજુ દસ કિ.મી. ગ્રામ્ય વિસ્તારના ગરીબ તથા મધ્યમ વર્ગ પરિવારના ચારસો જેટલા બાળકો આ શાળામાં શિક્ષણ મેળવે છે, મંડળ દ્વારા નવા સત્રે જાેરશોરથી પ્રવેશની જાહેરાત કરી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો,
પરંતુ અચાનક સંચાલન મંડળ દ્વારા આટલા બધા બાળકોની સંખ્યા હોવા છતાં, વાલીઓની જાણ બહાર શાળા બંધ કરવાનો આપખુદ શાહી ભર્યો ર્નિણય લેવામાં આવતાં વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
વાલીઓ પાસેથી મળતી માહિતી મુજબ જેતે શૈક્ષણિક સંસ્થાને બંધ કરવાની કાર્યવાહી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય તેના છ મહિના પહેલાં કરવાની હોય છે અને વાલીઓને પણ જાણ કરવાની હોય છે, ” જ્યારે કોઈ વહેપારી પોતાની ખાનગી પેઢીનું ઉઠમણું કરીને તાળું મારે તે રીતે મંડળ દ્વારા અચાનક તાળા મારવાનો આપખુદ શાહી ભર્યો ર્નિણય લેવામાં આવ્યો છે “,
જેની સામે વાલીઓએ ભારે રોષ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆતને ધ્યાને લઇ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. શિણોલ કેળવણી મંડળ દ્વારા શિશુ કેન્દ્ર અને પ્રાથમિક શાળા અચાનક બંધ કરવાના ર્નિણયથી વાલીઓમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે…!