Western Times News

Gujarati News

શિયાળામાં કોરોના વકરવાની આશંકા વચ્ચે ડોર ટુ ડોર સર્વે

અમદાવાદ: છેલ્લા થોડા દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો હતો. ત્યારે મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં છ વોર્ડની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે અને તેમાં સંતોષકારક પરિણામો સામે આવ્યા છે. શહેરીજનોની બેદરકારી અને વિદાય લઈ રહેલા ચોમાસાના કારણે છેલ્લા થોડા દિવસથી કોરોના વકર્યો છે. શહેરમાં ખાસ કરીને પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ તેમજ નદી પારના ઈસનપુર, ઘોડાસર, મણિનગર, વસ્ત્રાલ, ઓઢવ વગેરે વિસ્તારોમાં પોઝિટિવ કેસો ધડાધડ નોંધાવાના શરૂ થયા હતા. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું માનીએ તો કોરોનાના કેસ વધાવાનું કારણ વિદાય લેતું ચોમાસું અને કોરોનાને લગતા નિયમો પાળવામાં નાગરિકોની બેદરકારી જવાબદાર હતી.

જો કે, નિયમોનું પાલન કરાવવામાં કડકાઈ દાખવાતા તેમજ શિયળાની શરૂઆત થતાં મહામારી ફરી અંકુશમાં આવતી દેખાઈ રહી છે. સૂત્રોના કહેવા અનુસાર, પંદર-વીસ દિવસ પહેલા લોકોમાં ચર્ચાતું હતું કે, કોરોનાના કેસ વધ્યા છે પરંતુ હાલ આવું સાંભળવા મળતું નથી. કોરોનાના કેસ ઘટતાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનના વિસ્તાર પણ ઘટ્યા છે. તેમ છતાં જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધેલા જણાયા ત્યાં સાવચેતીના પગલાં રૂપે ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૬ વોર્ડની સર્વે કામગીરી પૂર્ણ થઈ છે અને પરિણામો સકારાત્મક હોવાથી કોરોના કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત હાલ બીજા છ વોર્ડમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં વોર્ડ દીઠ ૨૦૦ કર્મચારીઓની ટીમોને કામે લગાડવામાં આવી છે. તો આ તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ વર્તમાન સ્થિતિને સંતોષજનક ગણાવવાની સાથે શિયાળામાં કોરોનાના કેસ કદાચ વધે તેવી આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, આ બાબત પણ તંત્રના ધ્યાને છે અને તેને પહોંચી વળવા માટે આગોતરા પગલાં લેવાની તૈયારી ચાલી રહી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ શહેરમાં કોરોના મહામારીની પરિસ્થિતિ તથા કોર્પોરેશનની કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. જેમાં હેલ્થ ખાતાના રિપોર્ટના આધારે કોરોનાના નવા કેસ નહીં નોધાતા ૧૬ જગ્યાઓને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી દૂર કરાયા હતા. પાંચ સ્થળોએ નવા કેસ નોંધાતા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની યાદીમાં સમાવિષ્ટ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.