શિયાળામાં હાર્ટ એટેક અને CV સ્ટ્રોક વહેલી સવારે આવવાની શક્યતા વધુ
આ શિયાળામાં માયોકાર્ડિયલ ઇન્ફર્ક્શન (MI)થી સાવધ રહો
ભારતમાં છેલ્લાં એકથી બે દાયકા દરમિયાન ચેપી રોગોની સરખામણીમાં બિનચેપી રોગો (NCDs)ના ભારણમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. આપણા દેશમાં મૃત્યુનું એક મોટું કારણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (CVDs) છે. રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ લેટેસ્ટ આંકડા મુજબ, વર્ષ 2016માં ભારતમાં CVDsના દર્દીઓની સંખ્યા અંદાજે 54.5 મિલિયન હતી. અત્યારે ભારતમાં 4 મૃત્યુમાંથી 1 મૃત્યુ CVDsને કારણે થાય છે, જેમાં ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક 80 ટકાથી વધારે કેસમાં જવાબદાર છે.
છેલ્લાં દાયકામાં ગુજરાતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વધારે ચિંતાજનક બાબત એ છે કે, યુવાઓમાં CVDનો ઘણો વધારો થયો છે. 45 વર્ષની કે એનાથી ઓછી વય ધરાવતા લોકોમાં હવે CVDsનું નિદાન થઈ રહ્યું છે.
દર વર્ષે શિયાળા દરમિયાન તાવ, શરદી અને અન્ય શિયાળુ રોગો લોકો વચ્ચે જોવા મળે છે. જોકે શિયાળામાં હાર્ટ એટેક અને CV સ્ટ્રોક ખાસ કરીને વહેલી સવારે આવે છે. અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સીનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જયેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ, “દુનિયામાં મૃત્યુ માટે મુખ્યત્વે એક્યુટ માયોકાર્ડિનલ ઇન્ફર્ક્શન (AMI) જવાબદાર છે.
સરેરાશ અમદાવાદી ગરમ અને શુષ્ક હવામાનથી ટેવાયેલો છે એટલે ઘણી વ્યક્તિઓ શિયાળા દરમિયાન બિમાર પડે છે, કારણ કે તેમના શરીરોને ઓછા તાપમાને અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડે છે. શિયાળા દરમિયાન ઓછું તાપમાન લોહીના ગઠ્ઠાં જામવા અને રક્તવાહિનીઓના સંકોચન માટે જોખમકારક પરિબળો તરીકે કામ કરે છે.
આ કારણે રક્તવાહિનીઓ સંકોચાય છે, હૃદયને ઓક્સિજનના પુરવઠામાં ઘટાડો થાય છે, જેથી હૃદયરોગનો હુમલો આવે છે. ઘણા અભ્યાસોમાં શિયાળા અને MIના કેસો વચ્ચે સહસંબંધ પુરવાર થયો છે. દર વર્ષે આપણે શિયાળા દરમિયાન MIને કારણે હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુમાં વધારો જોઈએ છીએ.
તો જોખમ કોને છે?
60 વર્ષથી વધારે વય ધરાવતા અથવા CVDsની ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોને જોખમ છે. ઉપરાંત ડાયાબીટિસ, મેદસ્વીપણું, હાયપરટેન્શન વગેરે જેવી બિમારીઓ ધરાવતા લોકોને MIનું જોખમ છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં MIનું જોખમ વધારે છે. તણાવ પણ જોખમકારક પરિબળ છે.
ડૉ. પ્રજાપતિએ ઉમેર્યું હતું કે, “જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, ઊબકાઊલટી થાય, છાતીમાં દુઃખાવો થાય, હાથ, પીઠ, ડોક અને માથામાં સતત કળતર થાય, થાક લાગે અને ઠંડો પરસેવો વળે, તો તેમણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.”
આ શિયાળામાં તમે વધારે સાવચેતી રાખીને તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો. સક્રિય રહેવું, ગુણકારક આહારનું સેવન, પર્યાપ્ત ઊંઘ લેવી અને ચિંતા ન કરવી, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી – આ તમામ બાબતો તમે હૃદયને સ્વસ્થ રાખી શકશો અને તમે ખુશ રહી શકશો.