Western Times News

Gujarati News

શિરડીમાં ભાવિકોને ભારતીય વસ્ત્રોમાં જ દર્શન કરવા મળશે

શિરડી, શિરડીમાં મંદિરમાં શ્રદ્ધાળુ ભારતીય કપડાં પહેરીને આવે, ટ્રસ્ટે કહ્યું,‘ભક્તો એવા કપડાં પહેરીને આવે છે કે જેથી ધ્યાનભંગ થાય છે’ સંસ્થાનું કહેવું છે કે કેટલાક દિવસથી ફરિયાદ મળી રહી હતી કે કેટલાક શ્રદ્ધાળુ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવી રહ્યા છે. બીજી બાજુ ભૂમાતા બ્રિગેડની પ્રમુખ તૃપ્તિ દેસાઈએ ચેતવણી આપતા કહ્યું છે કે મંદિર ટ્રસ્ટે આ પ્રકારના બોર્ડને હટાવવું જોઈએ, અન્યથા અમે તેને અમારી રીતે હટાવી દેશું.

મંદિર પ્રશાસને કોરોનાને ટાંકીને તમામ લોકોને આ નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. મંદિર ટ્રસ્ટે પરિસરનમાં આ અંગે નોટિસ પણ લગાવી છે. આ બોર્ડમાં લખવામાં આવ્યુ છે કે ” શ્રી સાઈ ભક્તોને અનુરોધ છે કે આ પવિત્ર જગ્યામાં પધારી રહ્યા છો. માટે તમારે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષામાં આવવા વિનંતી છે.

ટ્રસ્ટ મુજબ, અનેક લોકોની ફરિયાદ આવ્યાં બાદ તેઓએ આ પગલું ઉઠાવ્યું છે. ફરિયાદ કરનારાઓમાં અનેક મહિલાઓ પણ સામેલ હતી. મંદિરના નવા નિયમની અસર હવે જોવા પણ લાગી છે. વેસ્ટર્ન ડ્રેસમાં મંગળવારે દર્શન માટે પહોંચેલા અનેક ભક્તોને સુરક્ષા ગાર્ડે પરત મોકલ્યા હતા. જો કે, સાઈ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી કાન્હુરાજ બાગટેએ જણાવ્યું કે, અમે માત્ર સલાહ, અનુરોધ અને અપીલ કરી રહ્યાં છીએ. અમે ભક્તોને દર્શન કરવા આવતા સમયે ભારતીય પરિધાન પહેરવાની અપીલ કરી છે, કોઈ કડક અમલવારી નથી કરાવી કે ન તો કોઈ પ્રકારનો ડ્રેસ કોડ લાગુ કર્યો છે.

સાઈ બાબા મંદિરમાં પ્રવેશને લઈને જાહેર ડ્રેસ કોડ પર ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈએ કહ્યું કે, ભારતમાં બંધારણ છે અને બંધારણે તમામને પોતાની મરજીથી બોલવા અને કપડા પહેરવાની સ્વતંત્રતા આપી છે. મંદિરમાં કયા પ્રકારના કપડા પહેરવા જોઈએ તેનો ખ્યાલ તમામ ભક્તોને હોય છે. એવામાં આ પ્રકારનું ફરમાન જાહેર કરવું અને બોર્ડ લગાવવું અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે. અમે જોયું કે શિરડી સહિત અનેક મંદિરમાં પુજારી અર્ધનગ્ન હોય છે, તેઓ માત્ર ધોતી પહેરે છે પરંતુ તેમની ઉપર કોઈ રોક નથી લાગતી. તેથી શિરડી સંસ્થાને આ પ્રકારના બોર્ડ તાત્કાલિક હટાવવા જોઈએ, નહીંતર અમે પોતે તેને હટાવીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.