ઓઢવ વોર્ડમાં શિવમ આવાસમાં મનપાની કફોડી સ્થિતિ
૧૩૪૪ મકાનો સામે માત્ર ૩૫૦ લાભાર્થીએ જ પુરાવા રજૂ કર્યાઃ એક હજાર મકાનોનો વહીવટ મામલે તંત્ર અવઢવમાં
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન કે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આવાસ યોજનામાં મૂળ માલિક અને કબજેદાર અલગ હોય છે.
જેના કારણે રી-ડેવલપમેન્ટ યોજનાના અમલ સમયે તંત્રને પારાવાર તકલીફ થાય છે. મૂળ માલિક દ્વારા વેચાણ કરવામાં આવ્યા બાદ પૂરતા દસ્તાવેજ આપવામાં આવતા નથી.
જેના કારણે કબ્જેદારને મકાન ફાળવણી થતી નથી. ઓઢવમાં બે વર્ષ અગાઉ ધરાશાયી થયેલ શિવમ એપાર્ટમેન્ટમાં આ પ્રકારની જ તકલીફ થઈ છે.
જેમાં એક હજાર કરતા વધુ મકાનના કબજેદારો પાસે કોઈ જ પૂરાવા નથી તેથી આ તમામ મકાનોનો વહીવટ કયાં અને કેવી રીતે કરવો તે મામલે મનપા મૂંઝવણમાં છે.
ઓઢવ વોર્ડમાં ટી.પી.૪૧ એફ.પી.૪૦ પર આવેલ જીવન જ્યોત સોસાયટી પાસે મીના શિવમ આવાસ યોજનામાં ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધીના બે બ્લોક ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ અચાનક જમીન દોસ્ત થયા હતા. મ્યુનિ.કોર્પાેરેશને અન્ય બ્લોકની ચકાસણી કરી તમામ બ્લોક તોડી પાડવા નિર્ણય કર્યાે હતો
તથા તે સ્થાને રીડેવલપમેન્ટ પોલીસી અંતર્ગત નવા મકાન તૈયાર કરવા જાહેરાત કરી હતી. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારની સ્ક્રીનીંગ કમીટીની મંજૂરી લેવામાં આવી હતી તથા જે.પી.ઈસ્કોન પ્રાઈવેટ લીમીટેડને ૧૩૪૪ મકાન બનાવવા વર્ક ઓર્ડર આપ્યો છે. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશનની તકલીફ વર્ક ઓર્ડર આપ્યા બાદ ઘટવાના બદલે વધી છે. જેનું મુખ્ય કારણ શિવમ આવાસમાં વસવાટ કરતા કબ્જેદારોના માલિકી પૂરાવા છે.
મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ શિવમ આવાસમાં જે તે સમયે કબજાે સોંપાયા બાદ મૂળ માલિકો દ્વાાર નિયત રકમ ભરવામાં આવી નહતી. તેથી સ્ટેન્ડીંગ કમીટીમાં આ મામલે નિર્ણય કરવામાં આવ્યો હતો.
જે મુજબ લાભાર્થી શિવમ આવાસમાં વસવાટ કરે છે તેમની પાસેથી બાકી રકમ વસુલ લેવાની શરતે વૈકલ્પિક વ્યવસ્થા પુનવર્સન યોજનાનો લાભ આપવાનો રહેશે.
તથા હાલ જે કબ્જેદારો છે તે લોકો મૂળ માલિકોની એન.ઓ.સી. રજૂ કરી બાકી રકમ ભરપાઈ કરે ભરપાઈ કરે તેમને પણ યોજનાનો લાભ આપવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા એક મહિના અગાઉ આ મંજૂરી આપવામાં આવી છે.
પરંતુ હજી સુધી એકપણ કબ્જેદાર કે મૂળ માલિક બાકી રકમ ભરપાઈ કરવા તેમજ એન.ઓ.સી.લઈને આવ્યા નથી.
સ્ટેન્ડિંગ કમીટીની જાહેરાત અગાઉ માત્ર ૩૫૦ કબ્જેદારો દ્વારા પૂરતા પૂરાવા તથા રકમ જમા કરાવવામાં આવ્યા હતા. આ ૩૫૦ લાભાર્થીઓએ બિલ્ડર દ્વારા ભાડાના ચેક આપવામાં આવ્યાં છે.
શિવમ આવાસ યોજનામાં મનપાની હાલત કફોડી બની છે. મનપા દ્વારા ૧૩૪૪ મકાનો માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેની માત્ર ૩૫૦ મૂળ લાભાર્થીને ફાળવણી કરવાની થાય છે.
જ્યારે એક હજાર જેટલા કબ્જેદાર પાસે કોઈ પૂરાવા કે એન.ઓ.સી. રજૂ કરી શક્યા નથી તેમજ બાકી રકમ ભરવા તૈયારી દર્શાવી નથી. તેથી એક હજાર મકાનોનો વહીવટ ક્યાં બંને કેવી રીતે કરવો ? તે મામલે તંત્ર અવઢવમાં હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.