શિવરાજપુર-ઘોઘલાને વિશ્વના સ્વચ્છ બીચની યાદીમાં સ્થાન
સૌરાષ્ટ્ર: ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા શિવરાજપુર તથા (દીવ) ઘોઘલા સહિતના ભારતના આઠ દરિયાઈ બીચને ઈકો ફ્રેન્ડલી તથા ઈન્ટરનેશનલ માપદંડો અનુસારની સ્વસ્છતા ધરાવતા બીચની યાદીમાં સ્થાન મળ્યું છે. દુનિયાના સૌથી સ્વચ્છ બીચની યાદીમાં સ્થાન મળતા અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે છે. ઈકો ફ્રેન્ડલી, સ્વચ્છ અને ઈન્ટરનેશનલ માપદંડો પર આધારિત પર્યટન સુવિધાઓથી સભર દરિયાઈ બીચોમાં ભારતને સ્થાન મળ્યું છે.
‘બ્લૂ ફ્લેગ બીચ’ને દુનિયાના સૌથી સ્વચ્છ દરિયા કિનારા માનવામાં આવે છે. કેન્દ્ર મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ જ્યૂરી દ્વારા પાંચ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૮ બીચોને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું.
સરકાર તરફથી ૧૮મી સપ્ટેમ્બરે આ બીચને ઈન્ટરનેશનલ ઈકો-લેબલ આપવા માટે ભલામણ કરાઈ હતી. આ ઈન્ટરનેશનલ જ્યૂરી યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના, ધ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન, ડેનમાર્કના એનજીઓ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના સભ્યોની બનેલી છે. બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. આ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઈકો લેબલ છે. બ્લૂ ફ્લેગ લેબલ મેળવવા માટે પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે.
આ સર્ટિફિકેટ ફાઉન્ડેશન ફોર એન્વાયરન્મેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી ઈન્ટરનેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે. એસીએસ રાજીવ ગુપ્તા જણાવે છે કે, બ્લૂ ફ્લેગની ઓળખ મળવાનો મતલબ છે કે, બીચ બેસ્ટ ઈકોલોજીકલ બીચ છે અને ત્યાં ફોરેસ્ટ અને પર્યાવરણ, તથા ટુરિઝમ વિભાગ દ્વારા ડેવલપમેન્ટના ઘણા પ્લાન છે. બીચનો હવે ઈકો-ફ્રેન્ડલી રીતે વિકાસ કરવામાં આવશે. શિવરાજપુર ગુજરાતનો પહેલો એવો બીચ છે જેને આ પ્રકારની ઓળખ મળી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચને પણ આઠ બીચમાં સ્થાન મળ્યું છે. આ વિશે દીવના કલેક્ટર સલોની રાય જણાવે છે, ખૂબ જ ખુશી સાથે જણાવી રહી છું કે, દીવનો ઘોઘલા બીચ દેશના બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મેળવનારા બીચમાંથી એક છે.