શિવરાત્રીએ સોમનાથ મંદિર ૪૨ કલાક માટે ખુલ્લું રહેશે
સોમનાથ, આવતીકાલે એટલે કે, પહેલી માર્ચના રોજ હિંદુ તહેવાર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એ રાત્રિનો ઉલ્લેખ કરે છે જ્યારે ભગવાન શિવ સ્વર્ગીય નૃત્ય કરે છે.
ગુજરાતનું સોમનાથ શિવના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે અને આ તહેવાર દરમિયાન વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં ભક્તોની હાજરી નોંધાય છે. મંદિર સત્તાધીશોના જણાવ્યા અનુસાર, કોવિડ પછી આ પ્રથમ મહાશિવરાત્રી હોવાથી સોમવારથી ભારે ભીડ થવાની ધારણા છે. ભક્તો અને સાધુઓમાં જૂનાગઢનો ભવનાથ મેળો પૂર્ણ થયા બાદ દર્શન માટે આવવાનો ટ્રેન્ડ હોવાથી બુધવારે પણ ભારે ભીડ જામે તેવી શક્યતા છે. સોમવારથી બુધવાર દરમિયાન કુલ ૧.૫ લાખ મુલાકાતીઓની અપેક્ષા છે.
આ શુભ પર્વ નિમિત્તે ભક્તો દર્શન કરી શકે તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મંગળવારે વહેલી સવારે ૪ઃ૦૦ વાગ્યે મંદિર ભક્તો માટે ખુલી જશે. મંગળવારની આખી રાત મંદિરમાં પૂજા અને આરતી ચાલુ રહેશે અને બુધવારે રાત સુધી મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોનો અવિરત પ્રવાહ રહેશે.
નિર્ધારિત કાર્યક્રમોમાં સવારે ૮ઃ૦૦ વાગ્યે મહામૃત્યુંજય યજ્ઞ, સવારે ૮ઃ૩૦ વાગ્યે ધ્વજારોહણ (નૂતન ધ્વજારોહણ), સવારે ૯ઃ૦૦ વાગ્યે પાલખી યાત્રા, સાંજે ૪ઃ૦૦થી ૮ઃ૩૦ કલાક દરમિયાન શ્રૃંગાર દર્શનનો સમાવેશ થાય છે. આખી રાત વિવિધ પૂજન અને આરતી કરવામાં આવશે.
વિશ્વભરના લાખો લોકો આરતીનું લાઈવ સ્ટ્રીમ નિહાળશે અને મંદિરની વેબસાઈટ, એપ્સ અને સોશિયલ મીડિયા ચેનલ્સ દ્વારા ઓનલાઈન દર્શન કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૧૦ લાખ જેટલા લોકો ઓનલાઈન લોગીન થશે અને વર્ચ્યુઅલ સુવિધાનો લાભ લેશે તેવી અપેક્ષા છે.
ટ્રસ્ટ દ્વારા એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વિશ્વભરના ભક્તો ૧૨-૧૨ઃ૩૦ એએમથી ઓનલાઈન ભેગા થશે અને સાથે મળીને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરશે. પ્રસાદની હોમ ડિલિવરી પણ ઓનલાઈન અથવા દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને બુક કરાવી શકાય છે.
જ્યારે સમગ્ર મંદિર પરિસરને સુંદર રીતે પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે ભક્તો બહાર મુકવામાં આવેલી એલઇડી સ્ક્રીન્સમાંથી પણ લાઈવ દર્શન કરી શકશે. તમામ દર્શનાર્થી, મુલાકાતીઓને ચોપાટી મેદાનમાં વિનામૂલ્યે ‘મહાપ્રસાદ’, ‘ફરાળ’ આપવામાં આવશે. તમામ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તથા શારીરિક રીતે અશક્ત અને વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.SSS