Western Times News

Gujarati News

શિવસેનાના ધારાસભ્યોને સુરતમાં લઈ જવા પાછળ સીઆર પાટીલનો હાથઃ રાઉત

સુરત , શિવસેનાના નારાજ ધારાસભ્યો કે જેઓ સુરત પહોંચ્યા છે તેના પર પાર્ટીના સાંસદ સંજય રાઉતે સવાલ ઉભા કર્યા છે. તેમણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો ઉલ્લેખ કરીને ધારાસભ્યોને ગુજરાતમાં શા માટે રાખવામાં આવે છે તેવો સવાલ ઉભો કર્યો છે. તેમણે વધુમાં આ પ્રકારની ઘટના પાછળ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

મહત્વનું છે કે શિવસેનાના નારાજ મંત્રી એકનાથ શિંદે સહિત ૧૦થી ૨૦ જેટલા ધારાસભ્યો સુરતની હોટલમાં પહોંચ્યા છે. મહારાષ્ટ્રના ધારાસભ્યો સુરત શહેરના અઠવાલાઈન્સમાં આવેલી ૫ સ્ટાર હોટલમાં રોકાયા છે ત્યારે હોટલની બહાર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પેટન્ટમાં જે થયું છે તેમાં બધાને ગુજરાતમાં જ શા માટે રાખવામાં આવે છે? દેશ તો બહુ મોટો છે, મેં સાંભળ્યું છે સુરતમાં છે..

અમારો તેમની સાથે સંપર્ક થયો છે. અમારા ધારાસભ્યો કે જેઓ ત્યાંથી તેમાંથી ઘણાં પરત આવવા માગે છે પરંતુ તેમને પરત આવવા દેવામાં નથી આવી રહ્યા અને તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. આવી ઘેરાબંધી ગુજરાતમાં જ થઈ શકે છે.
રાઉતે આગળ કેન્દ્ર સરકારને પણ નિશાના પર લઈને કહ્યું કે, તમને ખબર છે કે ત્યાની (ગુજરાત) સરકાર કઈ રીતે કામ કરે છે અને કેન્દ્રની સરકાર ત્યાં પોતાનું કામ કરી લે છે. પરંતુ જ્યારે પણ તક મળશે અમારા તમામ ધારાસભ્યો અહીં પાછા આવી જશે.

કારણ કે તેઓ નિષ્ઠાવાન શિવસૈનિક છે. વધુમાં તેમણે નારાજ ધારાસભ્યો કે જેઓ સુરતની હોટલમાં પહોંચ્યા છે તે અંગે કહ્યું કે, “આ અંગે શરદ પવાર સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે પણ સતત મારી વાત થઈ રહી છે. મને વિશ્વાસ છે કે બધું ઠીક થઈ જશે. જેઓ પોતાને કિંગ મેકર સમજીને બીજાના કામ કરી રહ્યા છે તેઓ ક્યારેય પોતાના ઈરાદામાં સફળ નહીં થાય. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે, અગાઉની જેમ તમામ શિવસેનાના ધારાસભ્યો પરત આવશે કારણ કે તમામ જૂના અને નિષ્ઠાવાન શિવસૈનિકો છે.

નારાજ ધારાસભ્યોને સુરત લઈ જવા પાછળ સીઆર પાટીલનો હાથ હોવાનો પણ આક્ષેપ સંજય રાઉતે લગાવ્યો હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે.સુરતમાં સીઆર પાટીલે મહારાષ્ટ્રની સરકાર તોડવાનું ષડ્યંત્ર રચ્યું છે. તેમણે જ ધારાસભ્યોને ત્યાં રાખવાની વ્યવસ્થા કરી હોવાના આક્ષેપ રાઉતે કર્યા અને આ સાથે તેમનું (સીઆર પાટીલ)નું વર્ચસ્વ ત્યાં હોવાથી ધારાસભ્યોને સુરત લઈ જવાયા હોવાના આક્ષેપ રાઉતે કર્યા હોવાનું મીડિયા રિપોર્ટ્‌સમાં જણાવવામાં આવી રહ્યું છે.

સુરત પહોંચેલા શિવસેનાના ૨૧ ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનું લિસ્ટ સામે આવ્યું છે. જે આ પ્રમાણે છે.
એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, મહેશ શિંદે, શંભૂરાજ દેસાઇ, સંદિપાન ભૂમરે, સંજય રામુલકર, વિશ્વનાથ ભોઈર, અનિલ બાબર, રમેશ બોરનારે, શહાજી પાટીલ, કિશોર પાટીલ, ચિનમનરાવ પાટીલ, મહેન્દ્ર દલવી, પ્રદીપ જૈસવાલ, શંભુરાજ દેસાઈ, શનરાજ ચૌગુલે, બાલાજી કિનિકર, ભરતશેટ ગોગાવલે, ગાયકવાડ, સુહાસ કાંદે. પ્રકાશ અબિતર,રાજકુમાર પટેલ (અપક્ષ).

મહારાષ્ટ્રમાં ૧૦ બેઠકો પર વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના તમામ ઉમેદવારોની તેમાં જીત થઈ છે. જ્યારે એનસીપી અને શિવસેનાના ૨-૨ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસની એક બેઠક પર જીત થઈ છે. શિવસેનાના સચિન અહીર અને અમાશ્યા પાડવીએ જીત હાંસલ કરી છે. જ્યારે એનસીપીના એકનાથ ખડસે અને રામરાજે નિંબાલકર ચૂંટણી જીતી ગયા છે. બીજી તરફ ભાજપના પ્રવીણ દરેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય અને ઉમા ખપરેએ વિધાન પરિષદની ચૂંટણી જીતી લીધી છે.

જ્યારે ભાજપના નેતા પ્રસાદ લાડને કોંગ્રેસના ભાઈ જગતાપ સામે હારનો સામનો કરવો પડ્યો છે. સોમવાર સાંજથી એકનાથ શિંદે અને શિવસેનાના ૧૦થી ૧૨ ધારાસભ્યો સંપર્કમાં નહોતા. ઉદ્ધવ ઠાકરેએ આજે વર્ષા બંગલા પર શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. એવામાં જાે ધારાસભ્યો અહીં નહીં પહોંચે તો મહાવિકાસ અઘાડી સરકાર માટે મુશ્કેલી વધી શકે છે. શિદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે રાતથી મુંબઈની બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. બળવો કરનારા ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાયા છે અને ખબરો એવી છે કે ભાજપના સંપર્કમાં છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.