Western Times News

Gujarati News

શિવસેના અને કોંગ્રેસ : બાવરા મન દેખને ચલા એક સપના

FILE

અમદાવાદ, હજુ ગઈકાલે રાત્રે જ સિનિયર પવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી બનશે। અને દેશના તમામ અખબારની હેડલાઈન પણ બની ચુકી હતી. જો કે વહેલી સવારે છાપું હાથમાં આવે એ પહેલા જ ન્યુઝ ચેનલોમાં સમગ્ર દેશે ફડણવીશને ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી બનતા જોયા.  પ્રમુખ અખબારોમાં છેલ્લેથી બીજે ત્રીજે પાને આવતી તમામ કોલમો પણ ખોટી ઠરી.  ભાજપે એકલે હાથે ઘાયલ અવસ્થામાં જીવતી કોંગ્રેસ અને રહી રહીને રૂઠી જતા ફુફાજી જેવી શિવસેનાને ધોબી પછાડ આપી.

સમગ્ર ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા હાઉસો  સવારથી જ ધમધમવા લાગ્યા છે અને સામાન્ય નાગરિકોને પણ ફરી એક વખત આખો દિવસ ભાજપ, અમિત શાહ અને શરદ પાવરની ચર્ચા કરવાનો મસાલો  મળી ગયો છે. છેલ્લે કદાચ બિહાર વખતે આવું બન્યું હતું। જયારે નીતીશ અને લાલુની સરકાર તોડીને ભાજપે નીતીશને ફરી મુખ્યમંત્રી બનાવ્યા હતા.

રાજકારણના બે અઠંગ ખેલાડીઓ જ્યારથી રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા છે ત્યારથી ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે પ્રથમ ટર્મમાં પ્રધાન સેવકે કહેલા શબ્દો યાદ આવે છે.” મને ભલે બીજું કઈ ન આવડે પરંતુ રાજકારણ આવડે છે એટલું તો તમે ચોક્કસ માનશો। ” એ સમયે કદાચ બાકીના પક્ષોએ એ લાઈટલી લીધું હશે. પરંતુ ધીમે ધીમે તમામ હર્ડલ હટાવતા મોદી શાહની જોડી એ સાબિત કરી રહી છે.

સામ-દામ-દંડ-ભેદની નીતિઓ તમામ સરકારોએ અપનાવી છે અને અપનાવતી રહેશે। પરંતુ અપ  સાઈડ ડાઉન કરી નાખવાની બીજેપીના નવા પ્રમુખોની રીતો બધાની સમજ બહાર છે. શરદ પાવર જેવા રાજકારણી ખેડૂતોની વાત કરવા જાય છે અને તેમના જ ભત્રીજા ભાજપ સાથે હાથ મિલાવે છે.

રાજકારણમાં આવી યુતિઓ થતી રહે છે, એમાં આપણા જેવા સામાન્ય નાગરિકોએ હરખ કે શોક કરવા જેવું કશું હોતું નથી. કારણ કે આપણે દર પાંચ વર્ષે અંગુઠો દબાવવા જ સર્જાયા છીએ. આપણને શું આપવું કે આપણી  પાસેથી શું લેવું એ બધું  જ ઉપરવાળા નક્કી કરેછે। જો કે આપણે આજે સવારની ઘટનાની વાત કરવાની  છે. કોમન મેનની તો રોજની બબાલો હોય જ છે.  કોક ચા મંગાવો યાર…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.