શિવાજીએ અફઝલખાન જેવા પડછંદ વ્યક્તિની વાઘના નખ પહેરીને હત્યા કરી નાંખી હતી
તાનાજી માલુસરેએ શિવાજી મહારાજને કહ્યુઃ મારી હાજરીની જરૂર મારા દીકરાના લગ્ન મંડપમાં નહીં, પરંતુ મારા સરદારની પડખે ઉભા રહેવાની છે
શિવાજીએ અફઝલખાન જેવા ખડતલ, કાબેલ અને પડછંદ વ્યક્તિની વાઘના નખ પહેરીને હત્યા કરી નાંખી હતી.
તા:૧૯.૦૨.૨૦૨૨ ના રોજ શ્રી શિવાજી મહારાજની જન્મ જયંતિ છે અને આ નિમિત્તે આપણે શિવાજી મહારાજને ચોક્કસ યાદ કરવા જરૂરી છે. શિવાજી મહારાજ મહારાષ્ટ્રિયન પરિવારમાં જન્મ્યા હતા. શિવાજી મહારાજના પિતાજીનું નામ શાહજી અને માતાજીનું નામ જીજાબાઈ હતું.
શિવાજીની ટુકડીનો કોઈ સદસ્ય, કોઈની બહેન બેટી ઉપર ભૂલેચૂકે પણ નજર બગાડે તો શિવાજી એ વ્યક્તિને આકરામાં આકરી સજા કરતા
એવું કહેવાય છે કે, શિવાજી મહારાજની જન્મદાતા જીજાબાઈએ પોતાની ગર્ભાવસ્થામાં જ શિવાજીને વીરત્વના પાઠ ભણાવ્યા હતાં. શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત શિવાજીનું હાલરડું (“આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માત હિંચોળે, ધણણણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરુ ન આવે, માતા જીજાબાઈ ઝુલાવે”) ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં મૂઠીઉંચેરૂ સ્થાન પામ્યું છે
તથા લોક ડાયરાના મોટાભાગના નામાંકિત લોક ગાયકો શિવાજીનું હાલરડું સ્ટેજ ઉપર અવશ્ય ગાય છે અને શ્રોતાજનોને અનેરી મોજ કરાવે છે. બાળપણથી જ શિવાજી વીર અને નિડર વ્યક્તિત્વ ધરાવતા હતાં. શિવાજીએ સમર્થ રામદાસ સ્વામીને પોતાના ગુરૂપદે સ્થાપ્યા હતાં. શિવાજી મહારાજ ક્યારેપણ પોતાના ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હતા.
વીર શિવાજીને લોકો છત્રપતિ શિવાજી તરીકે વધારે જાણે છે. શિવાજી મહારાજને ભવાની માતા પ્રસન્ન થયેલાં હતાં અને માતાજીએ શિવાજીની રક્ષા કાજે એક તલવાર ભેટ તરીકે આપી હતી, જેનુ નામ પણ શિવાજીએ ભવાની તલવાર રાખ્યું હતું.
શિવાજીએ મોગલો સામે યુદ્ધો કરીને એમના દાંત ખાટા કરી નાંખ્યા હતા,
તો સૂરતમાં અંગ્રેજોની કોઠી પણ એમણે લૂંટી હતી. શિવાજી મહારાજ યુદ્ધકળામાં બહુ પાવરધા અને કુશળ લડવૈયા હતા. શિવાજી મહારાજે ક્યારેય કોઈની બહેન બેટી સામે આંખ ઊંચી કરીને જોયું ન હતું અને જો એમની ટુકડીનો કોઈ સદસ્ય, કોઈની બહેન બેટી ઉપર ભૂલેચૂકે પણ નજર બગાડે તો શિવાજી એ વ્યક્તિને આકરામાં આકરી સજા કરતા હતા.
શિવાજી મહારાજે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે કાંટાની ટક્કર લીધી હતી અને ઔરંગઝેબને મ્હાત આપી હતી. શિવાજી મહારાજ ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરતા હતાં. તેઓ પહાડોની પાછળ છુપાઈને દુશ્મન ઉપર ઓચિંતો હુમલો કરતા હતા, તેથી કંટાળીને ઔરંગઝેબે શિવાજીને “ડુંગરના ઉંદરની” ઉપમા આપી હતી.
શિવાજી બહુ બાહોશ, ચાલાક, ચપળ અને જાંબાઝ વીર હતા. શિવાજીએ દુશ્મનને ક્યારે પણ પીઠ બતાવી નથી, તેઓ સામી છાતીએ લડવાવાળા નિડર અને નિર્ભય લડવૈયા હતા. પોતાની ચપળતાને કારણે જ શિવાજીએ અફઝલખાન જેવા ખડતલ, કાબેલ અને પડછંદ વ્યક્તિની વાઘના નખ પહેરીને હત્યા કરી નાંખી હતી.
શિવાજી મહારાજની ટુકડીમાં તાનાજી નામના સેનાપતિ હતા અને તેઓ પર્વત ઉપર પાટલા ઘો દ્વારા ચઢાણ કરવાની કળામાં નિષ્ણાંત હતા. શિવાજી તાનાજીનો બહુ આદર અને ઈજ્જત કરતા હતાં અને દરેક પ્રસંગે એમની પ્રશંસા કરતાં હતાં.
એક વખત તાનાજીએ પોતાના પુત્રના લગ્ન હોવાથી ૧૦ દિવસની રજા લીધી હતી અને જે દિવસે તાનાજીના પુત્રનું લગ્ન હતુ એજ દિવસે દુશ્મનોએ શિવાજીની છાવણી ઉપર ઓચિંતો હુમલો કરી દીધો. શિવાજી મહારાજે, આ બાબતની ઘણી ગુપ્તતા રાખી હતી, છતાં પણ, ગમે તે રીતે તાનાજીને, દુશ્મનના હુમલાની જાણ થઈ ગઈ,
અને તેઓ તાબડતોબ લગ્ન મંડપમાંથી સીધા જ શિવાજી મહારાજની છાવણી તરફ પોતાનો ઘોડો હંકારી ગયા.શિવાજી મહારાજ પોતે આ દ્દશ્ય જોઈને બે ઘડી આભા બની ગયા અને આશ્ચર્યથી બોલ્યા કે, તાનાજી, હું કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને? તમારે તો આ સમયે, તમારા દીકરા પાસે રહેવું જોઈએ, તમે શા માટે અહીં આવ્યા?.
ત્યારે તાનાજીએ શિવાજીને બહુ સરસ જવાબ આપ્યો કે, મારી હાજરીની જરૂર મારા દીકરાના લગ્ન મંડપમાં નહીં, પરંતુ મારા સરદારની પડખે ઉભા રહેવાની છે,અને હું આવા મુસીબતના સમયે કામ ન આવું તો મારી માતાનું ધાવણ લાજે. આ સાંભળીને શિવાજી મહારાજે તાનાજીની પીઠ થપથપાવી અને છાતી સરસા લગાવ્યા અને કહ્યું કે,
તાનાજી ધન્ય છે તમારી જનતાને કે જેણે તમારા જેવા, વીર, લૂણહલાલી, અને દેશભક્ત સપૂતને જન્મ આપ્યો. તાનાજીએ ઘડીભર પણ વિશ્રામ ન કર્યો અને પોતાના ચુનંદા ૧૭ સાહસિક સાથીઓને સાથે રાખીને દુર્ગમ પહાડ ઉપર પાટલા ઘો દ્વારા ચઢાણ કર્યુ અને પોતે વીરગતિને પામ્યા પણ જે ગઢ દુશ્મનોએ કબજે કર્યો હતો એ જીતી લીધો હતો.
શિવાજી મહારાજને આ બન્ને બનાવોની જાણ થતાં, પોતાની જિંદગીમાં પહેલી વખત શિવાજીની આંખમાં આંસુ આવી ગયા. તાનાજી સાથે ગયેલા સાથીઓમાંથી માત્ર ચાર પાંચ સાથીઓ બચ્યા હતા અને શિવાજી મહારાજને ગઢ જીત્યાની વધામણી આપી,ત્યારે દુ:ખી સ્વરે શિવાજી બોલ્યાં કે
” ગઢ આલા, પર સિંહ ગેલા” અર્થાત આપણે ભલે ગઢ જીત્યા, પરંતુ આપણે સિંહ સમાન તાનાજીને ગુમાવી દીધાં છે. ત્યાર પછી શિવાજી મહારાજે ભારે હૈયે તાનાજીના પરિવારજનોને તાનાજીની વીરગતિના સમાચાર આપી દિલસોજી વ્યક્ત કરી હતી.
આ બનાવ પછી શિવાજી બહુ દુ:ખી થઈ ગયા અને અંદરથી તૂટતાં ગયાં અને એમનો દેહવિલય થયો. કહેવાય છે કે શિવાજી મહારાજના મૃત્યુ બાદ ધીમેધીમે મરાઠા શાસનના સૂર્યનો અસ્ત થવા લાગ્યો. 19 ફેબ્રુઆરીના દિવસે શિવાજી મહારાજની જન્મ જયંતિ પ્રસંગે આપણે એમને સાચા હ્રદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. યોગેશભાઈ આર જોશી હાલોલ: ૩૮૯૩૫૦, જી. પંચમહાલ.