શિવાના પેટમાં ગુલામીનું દૂધ ન અપાય. તેને મોગલ દુશ્મનો સામે લડવાનું છે
જીજાબાઈની રાષ્ટ્રભક્તિ પ્રભુને ગમે
આજે આખા વિશ્વની નજર આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ ઉપર મંડાણી છે. તે સંસ્કૃતિની ગળથૂથી આપવાનું કામ જન્મ આપનાર જનેતાઓ વધુમાં વધુ કરી શકે છે. તેવું કામ કરનાર છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઈને જાેઈશું. જીજાબાઈ કોઈ કામે બહાર ગયેલા ત્યારે બાળક શિવાજી ઘણું બધું રડતા હતા.
આયાએ ઘણા પ્રયત્નો કર્યા છતાં રડવાનું બંધ ન થતાં, આયાએ શિવાજીને પોતાના સ્તનને લગાડી ધવડાવ્યા પછી જીજાબાઈ આવ્યા. આયાએ બધી વાત કરી તો તરત જીજાબાઈએ શિવાજીના બે પગ પકડી ઊંચા કરી હલાવી આયાના દૂધની ઉલટી કરાવી, આયાને ભારે ઠપકો આપતા કહ્યું, “તને ખબર છે, શિવાના પેટમાં ગુલામીનું દૂધ ન અપાય. તેને મોગલ દુશ્મનો સામે લડવાનું છે. તેના શૌર્યથી, વીરતાથી મા ભોમને આઝાદ કરવાની છે. તેથી તેને શારીરીક, માનસિક કે બૌદ્ધિક ખોરાક વડે તેનામાં કર્તૃત્વ-તેજસ્વિતા-અસ્મિતા અને વિજીગીષુવૃત્તિ ઉભી થાય તેવો ખોરાક આપવો તે મારી માતા તરીકેની જવાબદારી છે.
આ વાતને બહેનો સમજી લે અને પોતાના સંતાન ઉછેરમાં શરીર માટે ઈડાં-માંસ-બ્રાંન્ડી, ચરસ, દારૂ-ગાંજાે-ગુટખા જેવા ઘાતક ખોરાકો અને મફતના ખોરાકો ન અપાય તેની સંપૂર્ણ કાળજી રાખે તે માતાધર્મ છે. તેવો ધર્મ બહેનો સાચવે તો પ્રભુને ગમે.
બીજી વાત-શિવાજી તેમના મિત્રો જાેડે કિલ્લોહાર-જીતની રમતો રમતા હતા. જીજાબાઈ ઝરૂખામાંથી જાેતા હતા. શિવાજી બેકાળજીમાં રમતમાં કિલ્લો હારી ગયા. તે જીજાબાઈથી જાેયંુ ના ગયું તો શિવાજીને હાંક મારી ઉપર બોલાવ્યો. તેમના અવાજમાં ક્રોધનો રણકાર હતો. શિવાજી નતમસ્તકે માતા સામે ઊભા રહ્યા, તો જીજાબાઈએ જાેરદાર તમાચો માર્યો, શિવાજીના ગાલ લાલચોળ થઈ ગયા, શિવાજીએ એક હરફ પણ ઉચ્ચાર્યો નથી.
શિવા, તમે રમતમાં પણ હારનો સ્વીકાર કેમ કર્યો? તમે હાર તો સ્વપ્ને પણ ન સ્વીકારી શકો, તમારે માત્ર વિજય-વિજય ને વિજય જ પ્રાપ્ત કરવાનો છે. તમારી હાર હું ન જાેઈ શકું. કહી જીજાબાઇ રડી પડ્યાં છે. ત્યારે શિવાજી માતાના ખોળામાં બેસી માના આંસુ લૂંછતા કહ્યું , મા,મને ક્ષમા કરી દો, હવે સ્વપ્નમાં પણ પરાજય મેળવીશ નહીં.
આજની માતાઓ સમજે કે બાળકોને લાડકોડ આપવા સારા છે. પણ તેનાથી તેનામાં કર્તૃત્વ જાેશ-હોશ મરી જાય-નમાલો થાય, સ્ત્રૈણ થાય. આળસુને પ્રમાદી ન બનતાં હરેક ક્ષેત્રે તેની વિજીગીષુવૃત્તિ જીવંત રહે તેની માતાઓ કાળજી રાખે તે માતાધર્મ છે.
ત્રીજીવાત-શિવાજી તેમના બે મિત્રો સાથે નૃત્યગૃહના દરવાજાની તિરાડમાંથી નૃત્ય જાેતા. રાત્રે મોડુ થયું અને જીજાબાઈને ખબર પડી તો શિવાજી સામે ક્રોધિત નજરે જાેયું. તેમને તમાચો મારવા જતાં તુકાબાઈએ વચ્ચે પડી અટકાવ્યા છે, ને કહ્યંુ, આ તો રાજકુમાર છે. આજે નહિ તો કાલે નાચગાન તો જાેશે જ ને !
જીજાબાઈ તે ચર્ચામાં ન પડતાં શિવાજીને પોતાના ખંડમાં લઈ ગયા, ને કહ્યું, શિવાજી આ વૈભવવિલાસનો, નાચગાનનો ચસકો લાગી જાય તો સ્વરાજની સ્થાપના માટે ટેકીલા કેવી રીતે રહી શકશો? તેમાં શિવા ધ્યેયપ્રાપ્તિ ભૂલી જવાય. આમાંથી બોધ લેવો કે નાચ-ગાન ને મનોરંજન બ્રહ્મચર્યાશ્રમમાં હોય તો તેના કેન્દ્રમાં ઈશ્વરને રાખીને હોય.
ઈશાભિમુખતા છોડીને કામાભિમુખતાવાળંુ ન હોવું જાેઈએ. ઘરમાં અર્ધનગ્ન સિરીયલો વિદ્યાર્થી જગતને જાેવી તે કેટલે અંશે સાચી તે વિચારવું. આજના ભોગાક્રાંત સમાજમાં સુબુદ્ધ નારીઓએ સાવધાન રહેવું પડશે. આ બુદ્ધિઘાતક દૃશ્યોથી પોતાના સર્જનને બહેનો બચાવશે તો પ્રભુને ગમશે ચોથી વાત-ઔરંગઝેબના તાબામાં રહેનાર મિર્ઝારાજે જયસિંહ જેને નાની ઉંમરે રણકેશરીનો ઈલ્કાબ મળેલો.
યુદ્ધનિપુણતામાં તેનો ડંકો વાગતો હતો, તે એકનાથજીનો ભક્ત થઈ રોજ અભિષેક કરતો, પૂજા કરતો, પોતાને ભક્ત ગણાવતો. સામે જે ઓરંગઝેબ મંદિરો તોડતો, લૂંટતો. આ બધું તે જાેતો છતાં તેની તમામ શક્તિ ઔરંગઝેબના ચરણે ધરી કેવળ ગધ્ધાવૈતરૂં કર્યું. સામે શિવાજીએ પોતાની શક્તિ સંસ્કૃતિકાર્યે વાપરી પ્રભુ પૂજા કરી.
આ કહેવાતો ભગત! તેને ઔરંગઝેબે શિવાજી સામે યુદ્ધમાં મોકલી તેની શક્તિ વાપરી છે, આ મિર્ઝારાજે જયસિંહ સામે શિવાજીને નમતંુ જાેખવું પડેલંુ છે, અને હાર પેટે પુરંદરનો કિલ્લો, બીજા ૨૩ કિલ્લાઓ રોકડ રકમ અને પુત્ર શંભાજીને સંધિમાં આપવા પડ્યા છે. આથી જીજાબાઈ ને શિવાજી દુઃખી-દુઃખી થયા છે.
ઉપર જાેયું તેમ મિર્ઝારાજે જયસિંહની આંધળી, દિશાશૂન્ય, વેવલી, ટાઈલી ભક્તિને સમજીશું. સામે શિવાજીની વેદોકત રાષ્ટ્રિય ભક્તિને સમજીને બહેનો જીજાબાઈની જેમ શિવાજી પેદા કરવાની ભાવના રાખશે તો પ્રભુને ગમશે.
પાંચમી વાત – શિવાજી અને બીજા સરદારો બાદશાહને કુર્નિસ બજાવવા જતા, તો બધાં સરદારો બાદશાહ સામે મસ્તક ઝુકાવી કુર્નિસ બજાવતા. શિવાજીનો વારો આવે તો બાદશાહ સામે ન નમતાં આગળ ચાલી નીકળતા. તેની ફરીયાદ જીજાબાઈ પાસે ગઈ. જીજાબાઈએ શિવાજીને બોલાવી કહ્યું, “શિવા તું કેમ બાદશાહ સામે નમતો નથી? તારી ફરીયાદ આવી છે. શિવાજી બાના પગમાં પડી વંદન કરી બોલ્યા, બા જે બાદશાહ ભગવાનના મંદિરો તોડે છે અને લૂંટે છે.
સ્ત્રીઓના શીયળ લૂંટે છે તેને આ મારૂં મસ્તક નમતું જ નથી. તું કહે તો તારા ચરણમાં મારૂં મસ્તક કાપીને ધરી દઉ. આ ઉપરથી તે સમજશું કે જે કોઈનામાં અર્થપાવિત્ર્ય અને કામપાવિત્ર્ય નથી. તો હું શું કરુ ? તેવા સામે મસ્તક ન નમાવો. મસ્તક નમાવવું એટલે બુદ્ધિનો ર્નિણય તેને આપવો.
ભગવાને સૃષ્ટિ રચતાં અર્થપાવિત્ર્ય અને કામપાવિત્ર્યમાંથી જ નૈતિક મૂલ્યો આપ્યાં છે. તેને તોડનાર સામે નમીને અંદરના આત્માને ન મારો. આપણે સૌ પ્રભુપુત્રો છીએ તેનું ગૌરવ રાખો. આમ શિવાજી જેવા આત્મગૌરવવાન પુત્રો આજની જનેતાઓ આપશે તો પ્રભુને ગમશે.
છઠ્ઠીવાત – જીજાબાઈના જીવનમાં એક દુઃખદ ઘટના બની જીજાબાઈના પતિ શહાજી કર્ણાટકમાં હોદીગીરી પાસે અશ્વ ઉપરથી પડી ગયા અને અવસાન થયું. પતિમૃત્યુના આઘાતથી જીજાબાઈ સતી થવા તૈયાર થયા. શિવાજીએ માને ઘણી વિનવણીઓ કરી પણ તે એકના બે ન થયા.
ત્યારે શિવાજી તેમના ચરણમાં પડી ખૂબ રડ્યા અને કહ્યું, હે મારી સ્વરાજપ્રેમી બા! તમે સ્વરાજ માટે થોભી જાવ. મને મારા સ્વરાજકાર્યમાં પ્રેરણા આપવા, મારામાં ઉત્સાહ ભરવા મને શક્તિ આપવા માટે થોભી જાવ. આ ગદ્ ગદ્ કંઠે હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો સામે જીજાબાઈએ નમતું જાેખ્યું છે.
ઉપર જાેયું તેમ બહેનો બાળઉછેરમાં શરીરના ખોરાકની, બુદ્ધિના ખોરાકની કાળજી રાખે. યુવાવસ્થામાં હુક્કાબાર, ડાન્સક્લબોમાં ન જાય. મફતનું લઈને ખાઈને, નમાલા ન થાય,આત્મગૌરવ ધરાવે. અર્થપાવિત્ર્ય છોડેલા લોકોને પોતાની શક્તિઓ ન આપે, તેવી કાળજી રાખી નવી પેઢી તૈયાર કરશે તો તેવી બહેનો પ્રભુને જરૂર ગમશે.