શીતળા સાતમની રાત્રે માં – દીકરી ને ભરખી ગયો કાળ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
ગાંધીનગરના ચ – ૦ પાસે દ્વિચક્રી વાહનને ટક્કર મારી કારચાલક ફરાર
ગાંધીનગરના પાદરે થયેલા અકસ્માતમાં દ્વિચક્રી વાહનને કારની ટક્કર વાગતા, યુવાન પુત્રી અને માતા નું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે દ્વિચક્રી વાહન ચલાવી રહેલા યુવાનનો જીવ બચી જવા પામ્યો હતો. જો કે, આ બનાવ બાદ અકસ્માતગ્રસ્ત કાર નો ચાલક પોતાની કાર લઇને ફરાર થઈ ગયો હતો.
શનિ, રવિ ની મજા માણી રહેલા પાટનગરવાસીઓ માટે રજાની મઝા કડવી થઈ ગઈ જ્યારે ગાંધીનગરના સીમાડે બે – બે લોકો એ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાના સમાચાર વહેતા થયા.
સમગ્ર ઘટનાની કાળજું કંપાવી દેતી વિગત એવી છે કે, અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી ગણપત સોસાયટીના મકાન ન. ૭૭ ખાતે રહેતા યોગિની બેન મહેશભાઈ ત્રિવેદી તેમના પુત્રી જૈમિની બહેન સાથે ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા.
એ વખતે એમનો પુત્ર એકટીવા ચલાવતો હતો. રાત્રે ૯ નાં સુમારે ચ -૦ થી રક્ષા શક્તિ સર્કલ તરફ જઈ રહ્યા હતા
ત્યારે અજાણ્યા વાહનને અડફેટે આવી જતા માતા યોગિની બહેન (ઉં. વ. ૪૭) અને પુત્રી જૈમિની બહેન (ઉં. વ. ૨૧) નું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું. જો કે એકટીવા ચાલક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં ઈન્ફોસીટી પોલિસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર ધસી ગયો હતો અને કારની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.