શીલજ નજીક ખેતરોમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશઃ ૧પ રૂપલલના ઝડપાઈ
અમદાવાદ, શહેરના ગોતા, ભાડજ અને શીલજ તથા ઓગણજ જવાના રોડ પર આવેલા ખુલ્લા ખેતરોમાં ચાલતા ેદેહવ્યાપારનો પર્દાફાશ સોલા પોલીસે કરતાં ૧પ જેટલી રૂપલલનાની ધરપકડ કરી છે. ભાડજથી શીલજ જવાના રોડ પરનાં ખેતરો પાસે અને ઓગણજ જવાના રોડ પર આવેલા ખેતરો પાસેથી કેટલીક મહિલાઓ લોકોને બીભત્સ ઈશારા કરતી હતી.
શહેરમાં ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ જવાના રોડ પર અવાવરું જગ્યાઓ પર આવેલા ખેતરો પાસે કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે સ્થાનિકોએ પણ પોલીસને આ મામલે રજુઆત કરી હતી. સોલા પોલીસની ટીમ અહીં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ પર વોચ રાખી રહી હતી.
ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર રૂપલલનાઓ ઉભી રહી રોડ પર જતા લોકોને બીભત્સ ઈશારા કરીને આકર્ષે છે. સોલા પોલીસે અહીં અલગ અલગ વોચ ગોઠવી રેડ પાડી હતી અને ખેતરોમાં ચાલતા કુટણખાનાને બંધ કરાવ્યું હતું
પોલીસે દેહવિક્રય કરતી મહિલાઓ સામે ગુનો નોંધી આ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી. ઓગણજ સર્કલથી ભાડજ જવાના રોડ પરથી સોલા પોલીસે આઠ રૂપલલનાની ધરપકડ કરી હતી જયારે ભાડજથી શીલજ જવાના રોડ પરથી સાત રૂપલલના પકડાઈ હતી. આ તમામ મહિલાઓ અહીં રોડ પર ઉભા રહી લોકોને બીભત્સ ઈશારા કરી દેહવિક્રય કરતી હોવાનું સામે આવતા સોલા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (એન.આર.)