શી જિનપિંગ નેપાળ જવા રવાના
મહાબલીપુરમ, ભારતના બે દિવસના પ્રવાસે આવેલા ચીનના રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી સાથે બેઠકોના દૌર ચલાવ્યા બાદ આજે બપોરે નેપાળ જવા રવાના થયા છે. આ પહેલા આજે સવારે અહીં કોવ બીચ રીસોર્ટમાં બન્ને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વક વાતચીત થઈ હતી. જો કે પાકિસ્તાન માટે આંચકાજનક સમાચાર એ છે કે આ વાતચીતમાં કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા જ થઈ ન હતી. બન્નેની વન ટુ વન વાતચીત બાદ પ્રતિનિધિ મંડળ સ્તરની પણ વાટાઘાટો થઈ હતી. આ પહેલા રીસોર્ટની અંદરથી લઈને દરીયા કિનારા સુધી બન્ને નેતાઓ વચ્ચે મંત્રણાઓનો સીલસીલો ચાલુ હતો. બેઠક અને વાટાઘાટો બાદ મોદીએ જિનપિંગને તામિલનાડુના હસ્તશિલ્પ કલાનુ દર્શન પણ કરાવ્યુ હતુ.
ત્યાર બાદ મોદીએ મહેમાન માટે લંચ પણ યોજ્યુ હતુ. એશીયાના બન્ને દિગ્ગજ નેતાઓ વચ્ચે સફળ મંત્રણા રહી હતી. ભારતની મહેમાનગતિથી ચીનના રાષ્ટ્રપતિ ખુશ થયા હતા. ભારત અને ચીન વેપાર અને ઈન્વેસ્ટમેન્ટમા આગળ વધવા યોગ્ય મિકેનીઝમ ઉભુ કરશે. ચીનના રાષ્ટ્રપતિએ મોદીને ચીન આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ જેનો મોદીએ સ્વીકાર કર્યો હતો. તારીખો હવે જાહેર થશે. આજે બપોરે વિદેશ સચિવ વિક્રમ ગોખલેએ આ વાટાઘાટો અંગે જણાવ્યુ હતુ કે, બન્ને નેતાઓ વચ્ચે કાશ્મીર અંગે કોઈ ચર્ચાઓ થઈ નથી. આ મુદ્દે ભારતનુ સ્ટેન્ડ કલીયર છે કે કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે. બન્ને દેશ આગળ પણ આ રીતની અનૌપચારીક બેઠક માટે સહમત થયા છે.
ચીનના રાષ્ટ્રપતિએ ભારતીય ઉદ્યોગપતિઓને મેડીસીન અને આઈટીમાં ચીનમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યુ હતુ. આ સમિટ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે લગભગ ૬ કલાક વન ટુ વન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને દેશોના લોકો વચ્ચે તાલમેલ વધારવા પણ ભાર મુકાયો હતો. આ માટે ભારત – ચીનની મિત્રતા પર બન્ને દેશોમા કાર્યક્રમો પણ યોજાશે. ચીનના રાષ્ટ્રપતિએ તામિલનાડુમાં ભવ્ય સ્વાગત માટે ભારતનો આભાર માન્યો હતો. ચીન વેપારી સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવા બાબતે ગંભીર છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ચેન્નઈ વિઝનથી સંબંધોના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બન્ને નેતાઓએ કટ્ટરવાદ અને આતંકવાદને નિપટવા પણ ચર્ચા કરી હતી.