શું આયુર્વેદિક શાખાના કર્મચારીઓ કોરોના વોરિયર્સ નથી ? વહીવટી તંત્રનું આયુર્વેદિક શાખા માટે ઓરમાયું વર્તન….!!!

૭૪ માં સ્વતંત્રતા પર્વની અરવલ્લી જિલ્લામાં હર્ષોલ્લાસથી ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી હતી. મોડાસા સરકારી ઇજનેરી કોલેજના હેલિપેડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાઈ ગયો, જેમાં આ વર્ષે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, પોલિસ વિભાગ, બેંક, નગર પાલિકા, એમ્બ્યુલન્સ સેવા, પુરવઠા વિભાગ, સહિતના વિભાગોના કર્મ ચારીઓનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું, કારણ કે, આ તમામ લોકો કોરોના વોરિયર્સ તરીકે લોક ડાઉનના સમયમાં કામ કરી ચૂક્યા છે,
પણ અરવલ્લી જિલ્લા આયુર્વેદિક શાખાએ લોક ડાઉનમાં કંઇ જ કામ નથી કર્યું માટે તેઓ કોરોના વોરિયર્સ તરીકે સાબિત નથી થયા, તેવું 74માં સ્વતંત્રા પર્વની જિલ્લા વહીવટી તંત્રની ઉજવણીમાં જોવા મળ્યું હતું. એટલું જ નહીં અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રવચનમાં તમામ વિભાગનો ઉલ્લેખ કરાયો, સિવાય અરવલ્લી જિલ્લા આયુર્વેદિક શાખાનો આયુર્વેદ વિભાગમાં કામ કરતા કર્મચારીઓમાં આ અંગે છુપી નારાજગી જોવા મળી હતી
પ્રાપ્ત માહિતી મુજબ જે વિભાગનો ઉલ્લેખ કરાયો છે, તે તમામ વિભાગોમાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે, અને આયુર્વેદિક શાખામાં ગ્રાન્ટ પણ નથી આવતી, અહીં તો માત્ર દવાનો જથ્થો જ પુરો પાડવામાં આવે છે, માટે આ વિભાગને વહીવટી તંત્રએ બાકાત કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે.
મહત્વપૂર્ણ વાત એ પણ છે કે, જે કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર વહીવટી તંત્ર કે જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ અંદર નથી જતાં તે વિસ્તારોમાં અંદર જઇને આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળાનું ઘરે ઘરે જઇને વિતરણ કરવામાં આવે છે, એટલું જ નહીં સરકાર પણ આયુર્વેદ પર ભાર આપી રહ્યું છે, પણ સરકારની આ ભાવનાને જિલ્લા વહીવટી તંત્ર ઠેસ પહોંચાડી રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દિલીપ પુરોહિત. બાયડ