શું આ સરકારી અધિકારી પર ખોટા બીલ બનાવવા બાબતે થતા દબાણનો કોયડો વણ ઉકેલ્યો જ રહેશે?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/IMG-20220821-WA0031-1024x466.jpg)
PMO ના હવે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય ના સ્પષ્ટ સંદેશ બાદ
ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરે કરેલા કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ વિરુદ્ધના આક્ષેપો સામે ભાજપ પગલા ભરશે ખરા.
સરકારની પ્રતિષ્ઠા ખરડાય તે પહેલા જ પીએમઓ દ્વારા ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયેલા મુદ્દે સ્પષ્ટ સંદેશો આપ્યો છે.
(વિરલ રાણા) ભરૂચ,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી ગુજરાત રાજ્યના બે મંત્રીઓ પાસેથી તેમના મહેસુલ અને માર્ગ મકાન વિભાગના ખાતાઓ છીનવાઈ ગયા છે.તેની પાછળ PMO દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય સરકારની પ્રતિષ્ઠા ખરડાતી હોય તે પહેલા જ પીએમઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.ત્યારે પ્રશ્ન ઝઘડિયા તાલુકા પંચાયતમાં થતા કથિત ભ્રષ્ટાચાર બાબતે ઉભો થયો છે.
ભાજપા પ્રેરિત ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈએ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરને ડુપ્લીકેસન બિલ બનાવવા ફરજ પડાતી હોવાનો અધિક મદદનીશ ઇજનેર લેખિતમાં તેમજ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો છે.ત્યારે શું ઝઘડિયા તાલુકા પંચાયતનો આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર નથી?
પીએમઓના ભ્રષ્ટાચાર બાબતના સ્પષ્ટ સંદેશનું ભાજપના જીલ્લા પ્રમુખ ક્યારેય પાલન કરાવશે તેવું આમ જનતા સહિત ખુદ ભારતીય જનતા પાર્ટીમાં પણ ચર્ચાય રહ્યું છે.કહેવાય છે કે ભ્રષ્ટાચારમાં કોઈ એક વ્યક્તિનો હાથ હોતો નથી તેમાં એકથી વધુ લોકો ખરડાયેલા હોય છે.ત્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો દ્વારા સરકારી અધિકારી મદદનીશ ઇજનેર પર ડુપ્લીકેટ બિલ બનાવવા બાબતના આટલા ભારે દબાણ બાદ જીલ્લા ભરૂચ ભાજપ કેમ ચુપ બેઠી છે તે ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યું છે,
ત્યારે હવે ભરૂચ જીલ્લા ભાજપ આ કથિત ભ્રષ્ટાચાર બાબતે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું ! આ લખાય છે ત્યારે ઝઘડિયાના તાલુકા વિકાસ અધિકારી એ.વી.ડાંગી એ પણ કહ્યું હતું કે અધિક મદદનીશ ઈજનેરના નિવેદન અને કબુલાતનામા બાદ તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ સુધી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે કોઈ તપાસ અધિકારી પહોંચ્યા જ નથી !
ત્યારે શું આ સરકારી અધિકારી પર ખોટા બીલ બનાવવા બાબતે થતી દબાણ નો કોયડો પણ વણ ઉકેલ્યો જ રહેશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા એ પ્રકાશ દેસાઈ અને રિતેશ વસાવા પર આક્ષેપ કર્યો હતો કે તેમણે આખો ઝઘડિયા તાલુકો લૂંટી લીધો છે ! તેના સોશ્યલ મીડિયામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ જવાબ આપ્યો હતો કે તમારી વાત સો ટકા સાચી છે બીટીપી ના કેટલાક આગેવાનો ભાજપમાં આવ્યા છે,
તેઓએ ઝઘડિયા તાલુકામાં વિકાસ માટેની ગ્રાન્ટ વર્ષોથી લૂંટતા આવ્યા છે અને એના જ કારણે ઝઘડિયા તાલુકાનો જે રીતે વિકાસ થવો જોઈએ એ રીતે વિકાસ થયો નથી,પરંતુ હવે તમે ચિંતા કરશો નહીં ગુજરાતમાં અને દેશમાં ભાજપનું શાસન છે અને ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે.મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે બીટીપી છોડીને ભાજપમાં આવેલા લોકોએ પણ પાર્ટીના હિતમાં અને મર્યાદામાં રહેવું પડશે અમે ક્યારેય પણ પી એન્ડ કે (પ્રકાશ અને કાલા) કંપનીને ઝઘડિયા તાલુકો લૂંટવા નહીં દઈશું તેની હું સંપૂર્ણ ખાતરી આપું છું તેવું નિવેદન કર્યું હતું.
ત્યારે હવે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ આપેલી ખાત્રી પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.અધિક મદદનીશ ઈજનેર શિવમ રાંદેડીએ કરેલા કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા અને ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ દ્વારા ડુપ્લીકેટ બીલો બનાવવાતા હોવાનું લેખિત કબુલાત નામો કર્યા બાદ તેમના પર ક્યારે પગલાં ભરાશે તેવો પ્રશ્ન ખુદ ભાજપના કાર્યકરો તેમજ આમ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે!