શું તમે ક્યારેય વજન ઉતારવા માટે ડિટોક્સ વોટર અજમાવ્યુ છે?
ડિટોક્સ વોટર ફળો અને શાકભાજીને પાણીમાં ઉમેરીને તૈયાર કરવામા આવે છે.-
ફળોમાંથી બનેલા સોડા અને હાઇ સુગર ડ્રિન્ક્સ કરતા ડિટોક્સ પાણી પીવું વધુ ફાયદાકારક છે.
આમાં વધુ એન્ટી ઓક્સિડન્ટ હોય તે જ ફળો અને શાકભાજીને સામેલ કરવા જાેઇએ. જેના કારણે પાણીમાં હાજર પોષક તત્વ વધી જાય છે, જેના કારણે ડિટોક્સ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સામાન્ય પાણી કરતા વધુ ફાયદાકારક છે.
શુ ડિટોક્સ વોટરના સેવનથી વજન ઘટાડી શકાય છે ? ડિટોક્સ વોટરમાં કેલરીની માત્ર ઘણી ઓછી હોય છે. લોકો વજન ઘટાડવા માટે ડિટોક્સ વોટર પીવાનો પણ આગ્રહ રાખે છે. ખાસ કરીને ફળોમાંથી બનેલા સોડા અને હાઇ સુગર ડ્રિન્ક્સ કરતા ડિટોક્સ પાણી પીવું વધુ ફાયદાકારક છે.
પાણી પીવાથી વજન ઘટે છે અને તે જ વાત ડિટોક્સ વોટર પર પણ લાગુ પડે છે. પાણી પીવાથી મેટાબોલિક રેટ વધે છે, જે વધુ કેલરી બર્ન કરે છે. અડધો લીટર પાણી પીવાથી લગભગ એક કલાક સુધી શરીરમાં મેટાબોલિક રેટ ૩૦ ટકા વધી શકે છે. આ સાથે જ પાણી પીવાની અસર તમારી ભૂખ પર પણ પડે છે. જાે તમે ભોજન કરતા પહેલા પાણી પીઓ છો, તો તમારી ભૂખ ઓછી થાય છે અને તમે ઓછું ખાવ છો.
ડિટોક્સ વોટરના લાભઃ ડિટોક્સ વોટર વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીને કાપીને બનાવવામાં આવે છે, જે તેમાં એન્ટીઓક્સિડેન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્ત્વની માત્રામાં વધારો કરે છે. આ પાણી શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તમે આમા જે પણ ફળો અને શાકભાજી ઉમેરશો તે મુજબ તેના શરીર પર ફાયદા પણ થશે.
જાે તમે આદુના પાતળા-પાતળા ટુકડા કરીને પાણીમાં ઉમેરી તેને પીશો તો તેનાથી પેટ સ્વસ્થ રહેશે, પેટ ફૂલવાની સમસ્યા નહીં થાય. ડિટોક્સ વોટર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, પીએચ સ્તરને સંતુલિત કરે છે, તેમજ શરીરમાંથી ઝેરી તત્વને બહાર કાઢવામાં મદદ કરે છે.
કઇ વસ્તુઓથી તૈયાર કરશો ડિટોક્સ વોટર ? કોઇપણ શાકભાજી અને ફળોને કાપીને ડિટોક્સ વોટર તૈયાર કરવામાં આવે છે. આમાં ફળો અને શાકભાજીને પેસ્ટ કે પાઉડર બનાવાવમાં આવતા નથી. ડિટોક્સ વોટર બનાવવા માટે તમે કાકડી, આદુ, લીંબુ, સફરજન, નારંગી, ફુદીનો, હળદર, પાઇનેપલ, તરબૂચ, બેરી, તુલસી, કેરી વગેરેને મિક્સ કરી શકો છો.
ડિટોક્સ વોટરના ગેરલાભઃ ડિટોક્સ વોટર સ્વાદની સાથે આરોગ્યને વધારનારા ગુણોથી ભરપૂર છે. આ ડ્રિંકને તમે આખા દિવસમાં અનેક વખત પી શકો છો. પરંતુ, ઘણી વખત વધુ પડતુ ડિટોક્સ વોટર પીવાથી હેલ્થને નુકસાન પણ થાય છે, કારણ કે તે શરીરને વધુ હાઇડ્રેટ બનાવી શકે છે.
જ્યારે તમે વધુ ડિટોક્સ વોટર પીછો છો, ત્યારે શરીરમાં પાણીની માત્રા વધુ થઇ જાય છે. તે તમને હાયપોનેટ્રેમિયાથી પીડિત કરી શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં સોડિયમનું સ્તર ખૂબ જ ઓછું થઇ જાય છે અને શરીરમાં પાણીનું પ્રમાણ વધુ થઇ જાય છે. તેનાથી માથાનો દુઃખાવો, ઊબકા, ઊલટી, ચક્કર, થાક, મૂંઝવણ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમે દિવસમાં જેટલું પાણી પીઓ છો એટલું જ ડિટોક્સ વોટર પીઓ.