શું હજુ પણ દેશદ્રોહના કાયદાની જરૂર છે ? સુપ્રીમ
નવીદિલ્હી: દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું હજુ પણ દેશદ્રોહના કાયદાની જરૂર છે? જેની મદદથી બ્રિટિશરોએ મહાત્મા ગાંધીને મૌન કરવાનો પ્રયાસ કર્યો. શું આપણને ૭૫ વર્ષ પછી પણ આ દેશદ્રોહના કાયદાની જરૂર છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એન.વી. રમણાએ આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ એ જ કાયદો છે કે જેનો ઉપયોગ બ્રિટિશરો ગાંધીજીને ચૂપ કરાવવા કરતા હતા. શું તમને લાગે છે કે આ કાયદો હજુ પણ જરૂરી છે?
તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ દેશદ્રોહના કાયદાની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે આ કાયદો લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દાબી દે છે અને લોકોની અભિવ્યક્તિમાં અવરોધ ઉભો કરે છે, જે લોકોનો મૂળભૂત અધિકાર છે. આ અરજી મેજર જનરલ એસજી વોમ્બેટકેર (નિવૃત્ત) દ્વારા કરવામાં આવી હતી. પોતાની અરજીમાં તેમણે આઈપીસીની કલમ ૧૨૪-એને પડકારી હતી. જે દેશદ્રોહ માટે છે. મેજર વોમ્બેટકેર કહે છે કે આ ધારા સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જાેઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આપણે આ કાયદાનો સમયગાળો જાેવાની જરૂર છે અને આ કાયદાનો ઉપયોગ કરતા પહેલા તેના પર વિચાર કરવો જરૂરી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટની એક અલગ બેંચે કેન્દ્ર સરકારને આ મામલે પોતાનું વલણ પૂછ્યું હતું. દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને બે પત્રકારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જેના પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસે તેનો જવાબ માંગ્યો હતો.