શું BCCI યુવરાજ માટે તાંબે જેવો નિયમ લાગુ પાડશે ?
નવી દિલ્હી: યુવરાજ સિંહ નિવૃત્તિ પાછી ખેંચવા ઈચ્છે છે. પંજાબ ક્રિકેટ એસોસિયેશન પણ તેને તેમ કરવા ઉશ્કેરી રહ્યું છે. યુવરાજે આ સંદર્ભમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને પત્ર પણ લખ્યો છે. મર્યાદિત ઓવર્સના ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ ક્રિકેટરે જૂન ૨૦૧૯મા મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજીને નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ હવે તે ઈચ્છે છે કે પંજાબ ડોમેસ્ટિક ક્રિકેટમાં ટાઈટલ જીતે. જોકે, કોરોના વાયરસના કારણે આ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટ રમાશે કે નહીં તે નક્કી નથી.
યુવરાજે નિવૃત્તિ પાછી ખેંચવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. અહેવાલ પ્રમાણે યુવરાજના કમબેકના અવરોધોમાં તેની ફિટનેસ અને ઉંમર સૌથી મોટો અવરોધ છે. યુવરાજ હાલમાં ૩૮ વર્ષનો છે. જૂન ૨૦૧૯ બાદ યુવરાજ ગત વર્ષે ઓગસ્ટમાં ગ્લોબલ ટી૨૦ કેનેડા ટુર્નામેન્ટમાં ટોરન્ટો નેશનલ્સ માટે મ્યો હતો અને ગત નવેમ્બરમાં અબુધાબીમાં ટી૨૦મા મરાઠા અરેબિયન્સ માટે રમ્યો હતો. યુવરાજ આ બધી ટુર્નામેન્ટમાં એટલા માટે રમી શક્યો કારણ કે બીસીસીઆઈના નિયમ પ્રમાણે તેણે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી જેમાં આઈપીએલ પણ સામેલ છે.
મુંબઈના લેગ સ્પિનર પ્રવીણ તાંબેનું ભાવિ નક્કી કરતી વખતે બીસીસીઆઈ દ્વારા કડક ર્નિણયો અમલી બનાવવામાં આવ્યા હતા. તાંબેને ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. તાંબેએ ૨૦૧૮મા નિવૃત્તિ લીધી હતી અને યુએઈમાં ટી૧૦ લીગમાં સિંધીઝ માટે રમ્યો હતો. તે ટી૨૦ મુંબઈ લીગમાં પણ રમ્યો હતો કારણ કે લીગ દ્વારા તેને ઈમર્જિંગ પ્લેયરની કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો. તાંબેએ ડિસેમ્બર ૨૦૧૯ની હરાજીમાં તેનું નામ મૂક્યું હતું અને કોલકાતાએ તેને ૨૦ લાખમાં ખરીદ્યો હતો. જોકે, બીસીસીઆઈએ કહ્યું હતું કે તેણે નિવૃત્તિ લઈ લીધી છે અને હાલમાં વિદેશી લીગમાં રમી રહ્યો છે તેથી તે આઈપીએલમાં રમી શકે નહીં.