શેડ્યુલ-કે હેઠળની દવાઓનું આંગણવાડી કાર્યકરો દ્વારા વિતરણ કરવા સામે ફાર્માસીસ્ટોનો ઉગ્ર વિરોધ
ફાર્માસીસ્ટોની દેખરેખમાં જ દવાઓનું વિતરણ કરોઃ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલનો આગ્રહ
અમદાવાદઃ શેડ્યુલ-કે હેઠળની દવાઓનું આંગણવાડી કાર્યકરો, નર્સો, મિડવાઈફ, આશા કાર્યકરો કે સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો દ્વારા સીધેસીધું વિતરણ કરવાની સરકારની વિચારણા સામે ફાર્માસીસ્ટોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. કાયદામાં સૂચિત સુધારા સામે દવાઓનું પૂરતું જ્ઞાન ન ધરાવતી વ્યક્તિઓને શેડ્યુલ-કે હેઠળની દવાઓના વિતરણની છુટ આપવાથી ભયંકર પરિણામો આવી શકે છે એટલું જ નહિ આવી મંજૂરી આપવાની બાબત ફાર્મસી એક્ટ 1948 અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક નિયમ, 1945થી વિપરિત છે. તેના બદલે વરિષ્ઠ ફાર્માસીસ્ટોની દેખરેખ હેઠળ આવી દવાઓના વિતરણની છુટ આપો, એવી માગણી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે કરી છે.
સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ અને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય મોન્ટુભાઈ પટેલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દવા વિભાગના સચિવને પાઠવેલા સૂચનો અને વાંધાવિરોધ દર્શાવતા પત્રમાં આવી રજૂઆત કરવામાં આવી છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે કઈ કઈ દવાઓ કેટલા પ્રમાણમાં લેવી તેની જાણકારી જ ન હોય એવી વ્યક્તિને આવી પરવાનગી આપવી યોગ્ય નથી. વાસ્તવમાં શેડ્યુલ-કે હેઠળની દવાઓનું વિતરણ સિનીયર ફાર્માસીસ્ટોની દેખરેખ હેઠળ કરવું આવશ્યક છે.
કેન્દ્ર સરકાર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1945ના ચેપ્ટર-4માં સેક્શન-31એમાં આવા ફેરફારો કરવાની વિચારણા કરી રહી છે. હકીકતમાં લાયકાત ન ધરાવતી વ્યક્તિઓને દવાઓનું વિતરણ કરવાની છુટ આપવાથી ઓવરડોઝ કે એવા બીજા અનેક ગંભીર પરિણામો આવી શકે છે.
આવી મંજૂરી ફાર્મસી પ્રેક્ટીસ એક્ટ અને ફાર્મસી એક્ટ, 1948ના ઉલ્લંઘન સમાન છે. ફાર્મસી એક્ટ, 1948ની કલમ-42 અંતર્ગત શેડ્યુલ-કેની દવાઓનું ડિસ્પેન્સીંગ ફક્ત રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટો જ કરી શકે છે. તે જ કાયદાની કલમ-65માં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી દવાઓનો સંગ્રહ અને વિતરણ માત્ર રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટો જ કરી શકે.
આ ડ્રાફ્ટમાં સુધારાવધારા સૂચવવા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા અને અન્ય શહેરોના ફાર્માસીસ્ટોએ ભાગ લીધો હતો.
બેઠકમાં કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે અમેરિકા સહિતના વિવિધ દેશો દવાઓની બાબતમાં કાયદાઓને વધુને વધુ કડક બનાવી રહ્યા છે, ત્યારે આપણે આવા અખતરા કરીશું તો જનતાના આરોગ્ય અંગે જોખમ વધશે અને આપણા દેશની પ્રતિષ્ઠાને પણ ઝાંખપ લાગશે. ડૉક્ટરો દવાઓનું પ્રિસ્ક્રીપ્શન લખી આપે પછી તે કેટલા પ્રમાણમાં અને કેટલા સમયે લેવી તેની વિગતવાર માહિતી ફાર્માસીસ્ટો જ દર્દીઓને આપતા હોય છે.
ભારતના આરોગ્ય નેટવર્કને મજબૂત બનાવવામાં ડૉક્ટરો બાદ ફાર્માસીસ્ટો બીજા નંબરના સૌથી મહત્ત્વના વ્યાવસાયિકો ગણાય છે. સાર્વજનિક આરોગ્યના ક્ષેત્રમાં ફાર્માસીસ્ટોની આ ભૂમિકા વધુ મજબૂત બને તે હેતુસર સરકારે શેડ્યુલ-કે હેઠળની દવાઓનું આંગણવાડી કાર્યકરો, નર્સો, મિડવાઈફ, આશા કાર્યકરો કે સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો દ્વારા સીધેસીધું વિતરણ કરવાની છૂટ આપવાને બદલે સિનીયર ફાર્માસીસ્ટોના માર્ગદર્શન મુજબ આવી પરવાનગી આપવી જોઈએ.