Western Times News

Gujarati News

શેરબજારના રોકાણકારોની સંખ્યા ગુજરાતમાં કરોડ પાર

અમદાવાદ, સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, તેવામાં ગુજરાતમાં તો રોકાણકારોનો આંકડો ૧ કરોડને પાર કરી ગયો છે. એક અહેવાલ અનુસાર, બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોમાંથી ૧ કરોડ ગુજરાતના છે.

૩૦ નવેમ્બર ૨૦૨૧ના આંકડા અનુસાર, બીએસઈ પર રજિસ્ટર્ડ ગુજરાતીઓની સંખ્યા ૧,૦૦,૧૨,૧૨૭નોંધાઈ હતી. રજિસ્ટર્ડ યુઝર્સનો આ આંક યુનિક ક્લાયન્ટ કોડ પર આધારિત છે. છેલ્લા એક વર્ષમાં તેમાં ૩૨ ટકાનો ઉછાળો નોંધાયો છે.

બીજા શબ્દોમાં કહીએ તો એક વર્ષમાં ગુજરાતમાંથી ૨૪.૨૬ લાખ લોકોએ ડિમેટ અકાઉન્ટ ખોલાવ્યા છે. શેરમાર્કેટમાં રોકાણ કરતા લોકોની રાજ્ય અનુસાર સંખ્યાની વાત કરીએ તો, દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. વળી, આ આંકડો એક કરોડથી વધારે હોય તેવા સમગ્ર ભારતમાં માત્ર બે જ રાજ્ય છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં ડિમેટ અકાઉન્ટ ધારકોની સંખ્યા ૧.૮૫ કરોડ થાય છે, જે ભારતમાં સૌથી વધુ છે. ગુજરાત બાદ યુપી ૭૫ લાખ જ્યારે તમિલનાડુ ૪૯ લાખ રજિસ્ટર્ડ યુઝર્સ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર આવે છે. રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સમાં વ્યક્તિગત, સંસ્થાકીય તેમજ મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરતા એમ તમામ પ્રકારના રોકાણકારોનો સમાવેશ થાય છે.

વળી, તેમાં એકથી વધુ ડિમેટ અકાઉન્ટ ધરાવતા લોકો પણ સમાવિષ્ટ છે. બીએસઈમાં ૮.૮૩ કરોડ ઈન્વેસ્ટ અકાઉન્ટ રજિસ્ટર્ડ છે, જેમાં ગુજરાતનો હિસ્સો ૧૧ ટકા જેટલો છે. માર્ચ ૨૦૨૦ દરમિયાન શેરબજારમાં થયેલા જાેરદાર ધબડકા બાદ તેમાં મોટી તેજી જાેવા મળી હતી.

જે દરમિયાન ડિમેટ અકાઉન્ટ ખોલાવનારા લોકોની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. એક શેર બ્રોકરના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન લોકોના જરુરી ના હોય તેવા ખર્ચા બંધ થઈ જતાં ઘણા લોકો પાસે સમય અને વધારાના રુપિયા બંને હતા.

બીજી તરફ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ અને એફડીમાં શેર માર્કેટની સરખામણીમાં વળતર ખૂબ જ ઓછું હોવાથી એક મોટો વર્ગ શેરબજાર તરફ વળ્યો હતો. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ડિમેટ અકાઉન્ટ ખોલાવવું અને ટ્રેડિંગ ખૂબ જ સરળ બની ગયું છે તેના કારણે પણ રોકાણકારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.