શેલામાં ડ્રેનેજ લાઈનની સમસ્યા અને રસ્તા પરના આડેધડ ખોદકામથી લોકો ભારે ત્રસ્ત
અમદાવાદ, ઔડાની હદના વિસ્તારમાં આવતા શેલા વિસ્તારમાં ગગનચુંબી ઈમારતો જોવા મળે છે. લાખો અને કરોડો રૂપિયાના ફલેટમાં રહેતા શેલાના રહેવાસીઓ જ્યારે પોતાની આભને ચુંબતી ઈમારતોમાંથી નીચે ઉતરે છે ત્યારે તેમને તેમનું જીવન નર્કાગાર સમાન લાગે છે,
કારણ કે તંત્રની બેદરકારીના કારણે શેલામાં જનસુખાકારીના ભાગ્યે જ કોઈ કામ ઉડીને આંખે વળગે તેમ છે. એક પ્રકારે પોશ ગણાતું શેલા અમદાવાદના અર્બન સ્લીમ એરિયામાં ફેરવાઈ ગયું છે અને શેલાના રહેવાસીઓએ ‘શેલા-ધ અર્બન સ્લમ ઓફ અમદાવાદ’ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ભારે રોષ ઠાલવ્યો છે.
શેલાના વીઆઈપી રોડ પર આવેલા શિવાલિક પાર્ક વ્યુરના સેક્રેટરી સ્વપ્નિલ નમ્બાર્ક આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે અમારા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઈનનો પ્રશ્ન છે. ચોતરફ ગટરનું પાણી જ જોવામળે છે અને આવા ગંદા પાણીમાંથી બાળકો સહિતના લોકોને અવરજવર કરવા વિવશ બનવું પડે છે.
જમા થયેલા ગટરના પાણીથી મચ્છરોનું બ્રીડીંગ પણ વધ્યું છે. અત્યારે મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે અને રહેવાસીઓ રોગચાળાનો ભોગ બની રહ્યા છે તો જ્યારે ધોધમાર વરસાદ પડશે તેવા સમયે આ સમસ્યા કેવું વિકરાળ રૂપ ધારણ કરશે તેની કલ્પના માત્રથી ધ્રૂજી જવાય છે. અમારા માટે ડ્રેનેજ લાઈનની સમસ્યા તો ભારે પીડાદાયક બની ગઈ છે
પરંતુ રોડના મામલે પણ તંત્રએ મોટી આફત સર્જી છે. કોઈ કારણને લઈને રોડ ખોદાય તે વાત સમજી શકાય છે પરંતુ રોડને એકસાથે ખોદી કાઢવામાં આવ્યા છે અને પાઈપ કયા હેતુ માટે બિછાવવામાં આવી રહી છે તેની કોઈને જાણ નથી.
છેલ્લા દોઢ મહિનાથી રોડ પરના આડેધડ ખોદકામથી લોકો ભારે ત્રસ્ત થઈ ગયા છે તેમ જણાવતા સ્વપ્નિલ નિમ્બાર્ક વધુમાં કહે છે કે, અમારા વિસ્તારમાં તો બંધ સ્ટ્રીટ લાઈટ પણ છાશવારે અકસ્માત સર્જે છે. સોશિયલ મીડિયા પર શેલાની ગૃહિણીઓએ ભારે બળાપો ઠાલવતા કહ્યું છે કે
આવી સ્થિતિ ઉદ્દભવતા અમારા વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસ પણ વધી રહ્યા છે. એક ગૃહિણી તો એવું કહે છે કે જે પ્રકારની ગંદકી ચોતરફક ફેલાઈ છે તેને જોતાં એવું લાગતું નથી કે અમે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં રહીએ છીએ.