શેલામાં લૂંટારુઓએ મહિલાના ઘરમાં ઘૂસી દાગીના, ગાડીની લૂંટ ચલાવી
દિવાળી પૂર્વે ચોર-લૂંટારુ ગેંગ સક્રિય
દિવાળીના તહેવારમાં લોકો બહારગામ ફરવા જતા હોય છે, જેને લઇને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે
અમદાવાદ,
દિવાળીના તહેવારમાં લોકો બહારગામ ફરવા જતા હોય છે. જેને લઇને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે. દિવાળી દરમિયાન આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પોલીસ એક્શન પ્લાન બનાવે છે. પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં એક્શન પ્લાન ન હોવાના કારણે ચોર લૂંટારુ ગેંગ સક્રિય થઇ છે. દિવાળી પૂર્વે જ શેલામાં વહેલી સવારે લૂંટારુઓ ત્રાટક્યા હતા.
એક ઘરના રૂમની બારીની ગ્રીલ તોડીને પાંચ શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. નીચેના રૂમમાં સૂતેલી મહિલાના રૂમમાં પ્રવેશીને ગળે છરો મૂકીને પહેરેલા દાગીના, કબાટમાં રહેલા દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. ફક્ત એટલું જ નહિ લૂંટારુઓએ જતા-જતા ગાડીની ચાવી લઈને ગાડીની પણ લૂંટ કરી હતી. હાલ આ બનાવને લઇને બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે.શેલાના વ્રજ હોમ્સમાં રહેતા જીતાબેન પટેલ ઘરમાં નીચેના બેડરૂમમાં સૂઈ ગયા હતા. તેમના પતિ તથા પુત્ર ઉપરના બેડરૂમમાં સૂઈ ગયા હતા.
૧૯મીએ સવારે ૩ઃ૪૫ વાગ્યે ઘરની બારીની ગ્રીલ તોડી બારીમાંથી સળિયો કાઢીને પાંચ શખ્સો ઘરમાં ઘુસ્યા હતા. અવાજ આવતા જ જીતાબેન જાગી ગયા હતા. આ પાંચેય બુકાનીધારી શખ્સો તેમના રૂમમાં આવ્યા અને હિન્દી ભાષામાં રૂપિયા કહા રખા હૈ તેમ કહીને તેમના ગળા ઉપર છરો મૂકીને તેમના કાનમાં પહેરેલી સોનાની કડી, ગળામાં પહેરેલી સોનાની ચેઈન, પગમાં પહેરેલી ચાંદીની સાંકળ લૂંટી લીધી હતી. ત્યારબાદ તેમના બેડરૂમના કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોનની અને રોકડ રકમની લૂંટ કરી હતી.
ફક્ત એટલું જ નહીં જતા-જતા શખ્સોએ ગળા ઉપર છરો મૂકીને ગાડીની ચાવી પણ લઈ લીધી હતી. ત્યારબાદ પાર્કિંગમાં પાર્ક કરેલી વેન્ટો ગાડી પણ આ લઈને જતા રહ્યા હતા. લૂંટારુઓએ જતા જતા કિસી કો બતાયા તો જાન સે માર ડાલેંગે તેમ કહીને ભાગી ગયા હતા. લૂંટારુઓ નાસી ગયા બાદ જીતાબેને પતિ અને પુત્રને જાણ કરતા પોલીસ બોલાવાઇ હતી. બોપલ પોલીસે આ મામલે સોના-ચાંદીના દાગીના તથા રોકડ અને ગાડી મળીને કુલ ૪.૫૪ લાખની લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ss1