શોપિયાંમાં એનકાઉન્ટરમાં સુરક્ષા દળોના જવાનોએ લશ્કરના બે આતંકીને ઠાર માર્યા

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષાકર્મીઓએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ આ એનકાઉન્ટર મોડી રાતે શરુ થયુ. જે બે આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા છે તે લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ છે.
આઈજીપી વિજય કુમારે કહ્યુ કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ શોપિયાંના રહેવાસી જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. આ ઉપરાંત તાજેતરમાં ૨ જૂને કુલગામ જિલ્લામાં બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં પણ તે શામેલ હતો.
વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા. તેઓ કુલગામના મોહનપુરામાં બેંક મેનેજરના પદ પર હતા. આતંકવાદીઓએ તેમને બેંકની અંદર ગોળી મારી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ૩૧ મેના રોજ કુલગામમાં મહિલા શિક્ષિકા રજનીબાલાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે સાંબાની રહેવાસી હતી. કુલગામના ગોપાલપોરામાં તેમની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતા.
ફાયરિંગ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ૧૨ મેના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ રેવન્યુ ડિપાર્ટમેન્ટના એક ઓફિસરને ગોળી મારી હતી.
તાલુકા ઓફિસમાં ઘુસીને આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીની હત્યા કરી નાખી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલ ભટ્ટનુ મોત થયુ હતુ. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ લાંબા સમયથી રેવન્યુ વિભાગમાં કામ કરતા હતા.HS1MS