શોપિયામાં આતંકી અથડામણ, ૩ આતંકીવાદીઓનો ખાતમો
શોપિયા: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. અત્રે જણાવવાનું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ શોપિયાના બડગામ વિસ્તારમાં વહેલી સવારે શરૂ થઈ. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યા હતા.
આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલુ થઈ ગયું. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જાણકારી આપતા કહ્યું કે શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓ માર્યા ગયા. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ મોહમ્મદ અલ્તાફે શહાદત વ્હોરી. એક પોલીસકર્મી ઘાયલ પણ થયો છે.
ઘાયલ પોલીસકર્મીનું નામ મંજૂર અહેમદ છે. સુરક્ષાદળોએ અથડામણના સ્થળેથી ૨ એકે-૪૭ અને એક પિસ્તોલ જપ્ત કરી છે. જાે કે ફાયરિંગ હવે બંધ થઈ ગયું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. અથડામણને જાેતા શોપિયા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ હાલ બંધ કરાઈ છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. તેઓ લશ્કર એ તૈયબાના હતા અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા હતા.